તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેવદિવાળી:આદિવાસી વિસ્તારોમાં દેવદિવાળીની આસ્થાભેર ઉજવણી

છોટાઉદેપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં દેવદિવાળીની આસ્થાભેર ઉજવણી થાય છે. - Divya Bhaskar
છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં દેવદિવાળીની આસ્થાભેર ઉજવણી થાય છે.
  • ધાનતેરસથી દેવદિવાળીના દિવસો આદિવાસીઓ માટે ખૂબ મહત્વના મનાય છે

છોટાઉદેપુર જિલ્લો એ રાજ્યમાં મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓ પૈકીનો એક છે. અન્ય સમાજના લોકો મોટાભાગે દિવાળીએ જ દિવાળીનો તહેવાર ઉજવતા હોય છે. પરંતુ અહીંના આદિવાસી સમાજના લોકો ખાસ કરીને દેવદિવાળીનો તહેવાર ઉજવતા હોય છે.

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ દેવદિવાળીની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે. આ દેવદિવાળીનો તહેવાર ખાસ કરીને તેઓ ત્રણ દિવસ સુધી ઉજવતા હોય છે જેમાં ધાનતેરસથી શરૂ થઈને વાહી તહેવાર સુધી ચાલે છે, ધાનતેરસ એટલે કે ચાલુ વર્ષે પકવવામાં આવેલ ધાન્ય કે જેના સહારે આખા વર્ષ દરમિયાન કરવામાં આવેલ ખેતીવાડીના ખેડાણ, વાવણીથી લઈને પકવવામાં આવેલ ફસલને પોઇંત જોડીને મસળવાથી લઈને બળદગાડામાં ખેતરમાંથી ઘરે સુધી અનાજ પકવવા અને લાવવા સુધીનું કામ કરનાર બળદને આખા શરીર પર ગેરુથી હાથનાં થપ્પા મારીને શિંગડા પણ રંગીને તેના ડોકે ઘંટડીઓ- ઘૂઘરા બાંધીને શણગારવામાં આવે છે.

તેમજ ઘરની બહારની દીવાલે એક છાણ અને માટીના કાદવમાંથી ભિડીયું બનાવવામાં આવે છે જેના પર ગલગોટાના ફૂલ અને લાલ ચણેકડીના બીજની હારમાળા સર્જીને સુશોભિત કરવામાં આવે છે. તેના પર દિવાળીનો તહેવાર પૂર્ણ થાય ત્યાં સુધી માટીના કોડિયામાં દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યારબાદ ચૌદસના દિવસે ચાલુ વર્ષે પકવેલ ધાન્યને જે મોહટીઓ (કોઠાર)માં ભરવામાં આવી હોય તેના પર દીવડા પ્રગટાવીને આસ્થાભેર પૂજન કરવામાં આવે છે, તે ઉપરાંત ઘરની કુળદેવીનું પૂજન, ઝાંપા દેવ પૂજન કરવામાં આવે છે. આમ તેરસથી દેવદિવાળી સુધી આદિવાસીઓ પરંપરાગત ઉજવણીમાં વ્યસ્ત રહે છે.

આ વિસ્તારમાં દિવાળી ગમે ત્યારે આવતી હોય પરંતુ ગામમાં સૌ સાજા માજા હોય અને ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ કેટલાક ગામોમાં ગુરુવારે દેવે દેવ, કેટલાક ગામોમાં બુધવારે ગુજરી દેવ તો કેટલાક ગામોમાં રવિવારે દીતવારીયો દેવ પૂજાતો હોય છે, જે વર્ષો જૂની પરંપરા છે.

અન્ય સમાચારો પણ છે...