સુખરામ રાઠવાએ અફવાઓનું ખંડન કર્યું:વીડિયો મારફતે કહ્યું-હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસ પક્ષમાં જ રહેવાનો છું; હું ક્યાંય ભાજપમાં જવાનો નથી

છોટા ઉદેપુર18 દિવસ પહેલા

છેલ્લા કેટલાક દિવસોથી વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા વિશે અટકળો અને અફવાઓ ચાલી રહી છે. જેને લઇને સુખરામ રાઠવાએ આજે એક વીડિયો મારફતે તમામ અફવાઓનું ખંડન કર્યું હતું. સાથે જ મેનીફેસ્ટો જાહેર કરવાના કાર્યક્રમમાં હાજર ન રહેવા પછળનો પણ ખુલાસો કર્યો હતો.

સુખરામ રાઠવાએ અફવાઓ અંગે વીડિયો શેર કર્યો
આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચૂંટણીનો મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિપક્ષી નેતા સુખરામ રાઠવાની સૂચક ગેરહાજરી વરતાતી હતી, જેને લઇને તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું હતું. આ ચર્ચાઓ મુદ્દે સુખરામ રાઠવાએ એક વીડિયો શેર કરી આ અફવાઓનું ખંડન કર્યું હતું. સાથે તેમણે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસમાં જ છું અને કોંગ્રેસ પક્ષમાં જ રહેવાનો છું. આગામી ચૂંટણી પણ કોંગ્રેસમાંથી જ લડીશ, હું ક્યાંય ભાજપમાં જવાનો નથી.

હું કોંગ્રેસમાં જ છું, કોઈ કારણ નથી ભાજપમાં જવાનું: સુખરામ રાઠવા
​​​​​​​
વધુમાં તેમણે જણાવ્યું હતું કે. આજે આ વીડિયોના માધ્યમથી ફરીથી કોંગ્રેસના નેતાઓને, જનતાને જણાવું છું કે, હું કોંગ્રેસમાં જ છું, કોઈ કારણ નથી ભાજપમાં જવાનું. કોંગ્રેસે મને ઘણું બધું આપ્યું છે, મને માન સન્માન પણ આપ્યું છે અને વિરોધપક્ષના નેતા પણ બનાવ્યો છે. આવા સંજોગોમાં મને જે ઉપલબ્ધિ મળી છે એ ઉપલબ્ધિને ઠોકર મારીને ક્યાંય જવાનો નથી. ટીવી, મીડિયા કે સોશિયલ મીડિયામાં જે ચાલે છે તેનું હું ખંડન કરું છું. હું અત્યારે મારા મત વિસ્તારમાં જ છું, ફોર્મ ભરવાની તૈયારીના ભાગરૂપે કાગળો તૈયાર કરવાની કામગીરીના કારણે હું મેનીફેસ્ટો જાહેર કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યો નથી.

અન્ય સમાચારો પણ છે...