છોટાઉદેપુરમાં CM:છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચાડી ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે: મુખ્યમંત્રી

છોટાઉદેપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરની એસ. એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. - Divya Bhaskar
છોટાઉદેપુરની એસ. એન. કોલેજ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.
  • રૂ131 કરોડના 70 જેટલા કામોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરાયું
  • સંખેડા ભાગ-3 જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ

છોટાઉદેપુરમાં તા.5મીએ એસ એન કોલેજ ગ્રાઉન્ડ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં જિલ્લાના નાગરિકો માટે પાણી પુરવઠા વિભાગની વિવિધ યોજનાઓ તેમજ અન્ય વિભાગોની યોજનાઓ મળી રૂા. 131 કરોડના 70 જેટલા કામોના ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં જનમેદની એકત્રિત થઈ હતી. જિલ્લામાં એક જ દિવસમાં 131 કરોડ રૂપિયાના 70 વિકાસ કામોની ભેટ આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં ઉપસ્થિત મેદનીને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના માર્ગદર્શન-વિઝનરી લીડરશિપમાં રાજ્ય દેશ-દુનિયામાં વિકાસનું રોલ મોડેલ બન્યું છે. આદિજાતિ વિસ્તારોના સર્વગ્રાહી વિકાસ માટે સરકાર સદાય પડખે છે. આ વિસ્તારોમાં મોબાઇલ કનેક્ટિવિટી માટે 500 મોબાઇલ ટાવર ઊભા કરવા આ વર્ષે બજેટમાં 100 કરોડ ફાળવ્યા છે. અંતરિયાળ સુધી સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોંચાડી આપણે ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જિન બનાવ્યું છે. કાર્યક્રમમાં 84.56 કરોડના ખર્ચે 3 જૂથ પા.પુ. યોજનાઓના લોકાર્પણ સાથે 2 પશુ દવાખાના, 2 ગ્રામ્ય માર્ગો, 45 નવિન આંગણવાડીઓ જિલ્લાને સીએમએ ભેટ ધરી હતી.

સંખેડા-બોડેલીના 93 ગ્રામ-પરાને પાણી મળતું થયું
છોટાઉદેપુરના સંખેડા-બોડેલી તાલુકાના 43 ગામ, 18 પરા અને 28 નર્મદા પુનઃવસાહતોમાં બિનપીવાલાયક અને અપુરતા ભુગર્ભ જળને કારણે ઉભી થયેલ પીવાના પાણીની મુશ્કેલી હવે દૂર થશે. કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે સંખેડા-બોડેલીના 93 ગામપરા/નર્મદા પુનઃવસાહતોની અંદાજિત 0.74 લાખ માણસોની વસ્તીને પીવાના પાણીની મુશ્કેલી કાયમી ધોરણે નિવારવા માટે 56 કરોડની મિયાગામ બ્રાંચ નહેર આધારિત સંખેડા ભાગ-3 સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના તૈયાર કરાઇ છે. જેનું મુખ્યમંત્રીના હસ્તે લોકોર્પણ કરાયું હતું.

મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાના લોકપ્રશ્નો અંગે મેળવી જાણકારી...
છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવેલા રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે આવેલા વીડિયો કોન્ફરન્સ હોલમાં અધિકારીઓ અને પદાધિકારીઓની સંયુકત બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ જિલ્લાના લોકપ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. બેઠકમાં ઉપસ્થિત જિલ્લાના પદાધિકારીઓએ મુખ્યમંત્રીને વિવિધ મુદ્દે રજૂઆતો કરી જિલ્લાને સ્પર્શતી બાબતોના નિરાકરણની અપેક્ષા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ પદાધિકારીઓ દ્વારા કરાયેલી રજૂઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ દાખવી જિલ્લાને સ્પર્શતી બાબતોના સકારાત્મક નિરાકરણની હૈયાધારણ આપી હતી.

બોડેલી કન્યાશાળાના નવા બિલ્ડિંગનું ઇ-લોકાર્પણ કર્યું
છોટાઉદેપુર મુકામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે જિલ્લાના વિવિધ વિભાગોના 131 કરોડના ખર્ચે 70 જેટલા કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં બોડેલીની મધ્યમાં આવેલી બોડેલી કન્યાશાળાના વર્ષો જુના ઓરડાઓ જર્જરિત થતા શાળાના આચાર્ય સંદિપભાઈ જયસ્વાલ દ્વારા શાળાના જર્જરિત ઓરડા ઉતારી પાડવાની મંજૂરી મેળવવાની કાર્યવાહી કરાઇ અને કચેરી દ્વારા તેને ઉતારી નાખવાની મંજૂરી મળતા તેની સામે સરકાર દ્વારા 66.72 લાખના 9 ઓરડા મંજુર કરાયા હતા. એક મુખ્યમંત્રી દ્વારા કામ શરૂ કરાવાયું અને બીજા મુખ્યમંત્રી દ્વારા તેનું લોકાર્પણ કરાતાં શાળા પરિવાર અને લોકોમાં હર્ષ જોવા મળે છે. બોડેલી કન્યાશાળાના નવિન બિલ્ડિંગમાં CCTV કેમેરા, RO પ્લસ કુકર વોટર ATM, પૂરતા ટોયલેટ બ્લોક જેવી અત્યાધુનિક સુવિધાઓ સાથે શાળા સજ્જ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...