છોટાઉદેપુરના શિક્ષિત આદિવાસી યુવાનો સમાજમાં શિક્ષણ, જાગૃતિ અને એકતા માટે સતત નવીનત્તમ કાર્યક્રમો કરી રહ્યા છે. પાવીજેતપુરના કરસન ગામના યુવાન સંદીપ રાઠવા જેઓ ઈજનેર છે અને અમદાવાદમાં નોકરી કરી રહ્યા છે. તેઓના એક વિચારથી ‘રાંચી કોન્ટેસ્ટ’નું આયોજન કરાયું છે. જેમાં સફળ થશે તે યુવાનોને વિમાન માર્ગે ઝારખંડના ખૂંટી જિલ્લામાં આવેલા બિરશા મુંડાની જન્મભૂમિ ઉલિહાતુનો પ્રવાસ કરાવવા પ્રોત્સાહક કાર્યક્રમ બનાવ્યો છે.
યુવાનો, વડીલો દરેક સાથે સંમતિ ઉભી થતાં કાર્યક્રમની જાહેરાત કરાઇ છે. જિલ્લાના દરેક તાલુકામાં કેટલાક યુવાનોને જવાબદારીઓ વહેંચી છે. આ કાર્યક્રમની જાહેરાત યુ ટ્યુબ ચેનલ ચલાવતા કવાંટના ઘનુંભાઈ રાઠવા દ્વારા કરાઇ અને તે ઉપરાંત સામાજીક વોટ્સએપ ગ્રૂપો દ્વારા તેની જાહેરાત કરાઇ છે.
આ કાર્યક્રમને યુવાનો, વિદ્યાર્થીઓએ ઉમળકાભેર સ્વીકાર્યો અને માત્ર 4-5 દિવસમાં 317ની સંખ્યામાં તે માટે નામો આવ્યા હતા. બાદ આ કોન્ટેસ્ટમાં ભાગ લેનારાઓને તેમની ઉંમરના 3 ગ્રૂપમાં વહેંચીને અલગ અલગ પ્રશ્નપત્રો કાઢીને કોન્ટેસ્ટ યોજવામાં આવ્યો. કોન્ટેસ્ટને ત્રણ રાઉન્ડમાં રાખવામાં આવ્યો. તેમજ 21થી 28 વર્ષના તમામ પેપરમાં ડૉ. રાજેશ રાઠવાની સેવા લેવાઈ હતી. તેમાં પ્રથમ રાઉન્ડ લેખિતમાં અને બીજો અને ત્રીજો રાઉન્ડ મૌખિક ઈન્ટરવ્યૂ રાખીને દરેક ગ્રૂપમાંથી એક એમ 3ની પસંદગી કરાઇ છે. જેમાં (1) 9થી 14 વર્ષમાં રાઠવા સાહિલ ગામઃ હરદાસપુર (2) 15થી 20 વર્ષમાં રાઠવા નનબુ ગામઃ ભોરધા (3) 21થી 28 વર્ષમાં રાઠવા પ્રભાત આમ આ ત્રણે યુવાનો સફળ રહ્યા છે. ફાઇનલ રાઉન્ડનું સ્થળ ભાષા કેન્દ્ર તેજગઢ રખાયું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.