સ્વચ્છતા પ્રત્યેની બેદરકારી:પાનવડમાં ઠેરઠેર ગંદકીના ઢગલાના કારણે સ્થાનિકોમાં ભારે રોગચાળાની ભીતિ

પાનવડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર દ્વારા ઉકરડાઓ સાફ કરાવી દવાનો છંટકાવ કરવા લોકમાગ

પાનવડ ગામમા ઠેરઠેર ગંદકીના કારણે લોકો ત્રાસી ગયા છે. ઠેરઠેર પ્લાસ્ટિકની થેલીઓના ઉકરડા અને ગામના મોટા ભાગના રસ્તા ઉપર ખડકાયેલા ગંદકીના ઢગલાના કારણે શહેરમાં મચ્છરો તેમજ બીજી જીવાતોનું પ્રમાણ પ્રતિદિન વધી ગયું છે.

નગરમાં દિન-પ્રતિદિન વધી રહેલી ગંદકીએ નગરમાં નર્કાગાર જેવી સ્થિતિ ઊભી કરી છે. તેમજ ગામની ઘણી બધી જગ્યાએ પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે ઠેક ઠેકાણે પાણી ભરાયેલાં છે. જેથી સ્થાનિક લોકો ભારે મુશ્કેલી ભોગવી રહ્યા છે. ગામની આવી સ્થિતિના કારણે ગંદકીના સામ્રાજ્યથી મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ વધી ગયો છે અને ગંદકીથી બીમારીના પ્રમાણમાં હાલમાં ખૂબ જ વધારો થયો છે. લોકોમાં તાવ, શરદી, ઉધરસ જેવી સામાન્ય બીમારીઓ ઘર કરી ગઇ છે. અને આવી જ સ્થિતિ રહેશે તો રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઇ રહી છે.

સ્થાનિક તંત્રની ડોર ટુ ડોર કચરો ઉપાડવાની વ્યવસ્થા પણ ખાડે ગઇ છે. અને તંત્ર દ્વારા આ ઉકરડા સાફ સફાઈ કરાવવામાં ઉદાસીનતા રખાતા ગામ આજે ગંદકી ધામ બની ગયું છે. ગામની આવી સ્થિતિથી લોકોમાં તંત્ર સામે ખૂબ જ રોષ ભરાયેલો છે. સ્થાનીક તંત્ર દ્વારા ઝડપથી આવા ઉકરડાઓ સાફ કરાવી ત્યાં થયેલી ગંદકીઓમાં દવાનો છંટકાવ કરવામાં આવે અને ગટરોને સાફ સફાઈ લોકહિતમાં કરવામાં આવે તેવી પ્રબળ લોક માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...