સંખેડાના હાંડોદ ખાતે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે મડાગાંઠ સર્જાઈ હતી. જે આંદોલનમાં ફેરવાઈ અને સમાધાન થયા બાદ ફરીથી વેપારીઓની કનડગત ચાલુ રહેતા ખેડૂતો આકરાપાનીએ ઉતરી ગયા છે અને ફરીથી આંદોલનનું રણશીંગુ ફૂક્યું છે.
બે દિવસ પહેલા સમાધાન થયું હતું
સંખેડા ખાતે છેલ્લા એક અઠવાડિયાથી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે કેટલાક મુદ્દે મડાગાંઠ સર્જાઈ હતી. જેનું બે દિવસ પહેલા સમાધાન પણ થયું હતું. પરંતુ એપીએમસીના ચેરમેનની મધ્યસ્થીથી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સમાધાન થયું હતું. સમાધાન થયાના બીજા જ દિવસે સમાધાનની ફોર્મ્યુલાનો ભંગ વેપારીઓ દ્વારા કરવાની શરૂઆત થતાં જ ખેડૂતોએ એપીએમસી ચેરમેનને રજુઆત કરવા છતાં ચેરમેન દ્વારા ખેડૂતોને સકારાત્મક જવાબ તો ઠીક આવું છું કહીને બે દિવસ સુધી દેખાયા સુદ્ધાં ન હતા. જેને લઇને ખેડૂતોમાં એપીએમસીમાં ચેરમેન વિરૂદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. અને ચેરમેન સામે શંકાની સોય તાંકવામાં આવી રહી છે.
ખેડૂતોનો આક્ષેપ
ખેડૂતો દ્વારા એપીએમસીમાં કપાસ લાવ્યા બાદ હરાજીમાં ભાવ નક્કી થયા બાદ પણ વેપારીઓ દ્વારા કડદો કરવામાં આવે છે. જીનમાં કપાસના વજનમાં પણ ફેરફાર આવે છે. ઉપરાંત રોકડીયા પાક હોવા છતાં પંદર દિવસે ચુકવણું કરવામાં આવે છે અને વટાવ પણ કાપવામાં આવતો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
શું છે ખેડૂતોની મુખ્ય માંગણી ?
ખેડૂતો દ્વારા એપીએમસી ચેરમેન સમક્ષ કરેલી મુખ્ય માંગણીઓમાં
- હરાજીમાં જે ભાવ નક્કી થાય તે જ ભાવ ખેડૂતને વેપારી દ્વારા આપવામાં આવે
- કપાસનું વજન એપીએમસીમાં જ કરવામાં આવે
- કપાસનું ચુકવણું રોકડું કરવામાં આવે
- વટાવ પ્રથા બંધ કરવામાં આવે
ખેડૂતોએ રાત્રી મિટિંગ કરીને આંદોલનની રણશીંગુ ફુક્યું
સોમવારે ખેડૂતોએ આંદોલન કરીને ઉપવાસ્પર ઉતર્યા હતા ત્યારે એપીએમસી ચેરમેન પણ સાથે ઉપવાસ પર ઉતર્યા હતા.પરંતુ સાંજે વેપારીઓ સાથે સમાધાન કરીને પારણા કર્યા હતા.અને બીજા દિવસે હરાજી થઈ હતી, જેમાં સમાધાન મુજબની ફોર્મ્યુલા વેપારીઓએ અમલ કર્યો ન હતો. જેને લઇને ખેડૂતો ગામેગામ જઈને કપાસ પકવતા ખેડૂતો સાથે રાત્રિ મિટિંગ કરીને આંદોલનનું રણશીંગુ ફૂકવાનું નક્કી કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.