છોટાઉદેપુરના ઘેલવાંટ ખાતે આવેલા સ્વામીનારાયણ સત્સંગ હોલમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત ઉજ્જ્વલ ભારત ઉજ્જ્વલ ભવિષ્ય: વીજળી@2047 અંતર્ગત આયોજિત વીજ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મલકાબેને વીજળીની અગત્યતા અંગે વિગતે સમજ આપી વીજ માળખાને સુદ્રઢ અને અદ્યતન કરવા માટે સરકાર દ્વારા કરાયેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.
વીજળીના માધ્યમથી ઓછા સમયમાં વધુ કામ કરી શકાય એમ જણાવી થતા ફાયદાઓ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, વીજળીના માધ્યમથી સ્માર્ટ ફોન તેમજ ઇન્ટરનેટ સેવા વધુ વ્યાપક બની છે. જેનાથી સમાજના તમામ વર્ગોને ખૂબ લાભ થયો છે એક કહી તેમણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ વિજળીની વ્યાપક ઉપલબ્ધતાને કારણે આજે ઝળહળતી સફળતા મેળવી રહ્યા છે એમ ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં વીજ મહોત્સવ કાર્યક્રમના નોડલ અધિકારી અને મધ્ય ગુજરાત વીજ કંપની, વડોદરાના કાર્યપાલક ઇજનેર વ્યાસે પ્રાસંગિક ઉદ્દબોધન કરતાં 75 વર્ષમાં વીજ ક્ષેત્રે થયેલી કામગીરી જન જન સુધી પહોંચે એ માટે કાર્યક્રમનું આયોજન કરાયું હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત આદિજાતિ વિકાસ નિગમના ડિરેકટર જશુભાઇ રાઠવા, પૂર્વ ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રમણભાઇ અને અન્ય મહાનુભાવોએ લાભાર્થીઓને વીજ કનેકશનના પ્રમાણપત્ર વિતરણ કર્યા હતા. જ્યારે સંસ્કૃતિ થિયેટર બરોડાના કલાકારોએ જનજાગૃતિ અર્થે નાટક પ્રસ્તુત કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.