મતદાર યાદી સુધારણા કાર્યક્રમ:મતદાર યાદી ઓબ્ઝર્વરે છોટાઉદેપુર ખાતે બેઠક યોજી; નવા અને સ્ત્રી મતદારોની નોંધણી માટે રાજકીય પક્ષોના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી

છોટા ઉદેપુર23 દિવસ પહેલા

ચૂંટણી પંચ દ્વારા તા. 01/10/2022ની લાયકાતના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંતર્ગત ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના મેનેજીંગ ડાયરેકટર ડી.કે.પારેખ (આઇ.એ.એસ)ની છોટાઉદેપુર જિલ્લાના ઇલેક્ટોરોલ ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરવામાં આવી છે. તેમણે જિલ્લા સેવાસદન, છોટાઉદેપુર ખાતે આવેલા વીડિયો કોન્ફરન્સ હોલમાં અધિકારી અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા અંગે માર્ગદર્શન આપ્યું
બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ અને રાજકીય પક્ષના પ્રતિનિધિઓને માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઇની લાયકાતના સંદર્ભમાં મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કરવામાં આવતી હતી. પરંતુ હવે તા. 01/10/2022ની લાયકાતના સંદર્ભમાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારણા કરવામાં આવી રહી છે. આ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝૂંબેશ દરમિયાન વધુમાં વધુ નવા મતદારો અને સ્ત્રી મતદારોની નોંધણી થાય એ માટે રાજકીય પક્ષોના સહયોગની અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.

ચૂંટણી એજન્ટો પણ કાર્યક્રમમાં સહયોગી બને એવી અપેક્ષા વ્યક્ત કરી
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ બાદ તેમાં કોઇ પણ પ્રકારના ફેરફારને અવકાશ રહેતો ન હોઇ તા. 11/09/2022 સુધીમાં તેમાં જે કોઇ સુધારા-વધારા કરવા હોય એ કરાવી લેવામાં આવે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતા વિવિધ ફોર્મ્સ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મતદાર યાદીમાં નવી નોંધણી કરવા માટે ફોર્મ નં. 6, અવસાન કે સ્થળાંતરના કિસ્સામાં મતદાર યાદીમાંથી નામ કમી કરવા ફોર્મ નં. 7, સુધારા કરવા માટે ફોર્મ નં. 8 તથા એક જ મતવિસ્તારમાં સ્થળાંતરના કિસ્સામાં ફોર્મ નં. 8(ક) તથા મતદાર યાદી સાથે આધારલિંક કરવા માટે ફોર્મ નં. 6(ખ) ભરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.

ઝૂંબેશ દરમિયાન હાલની પરિસ્થતિએ કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી
આ ઉપરાંત તેમણે દરેક રાજકીય પક્ષ દ્વારા નિમવામાં આવતા ચૂંટણી એજન્ટો પણ મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં સહયોગી બને એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે નવા મતદારોની નોંધણી અંગે માર્ગદર્શન આપતા તેમણે જણાવ્યું હતું કે,નવા મતદારો ઓનલાઇન નોંધણી કરાવે એ માટે તેમને જરૂરી માર્ગદર્શન મળી રહે એ જરૂરી છે એમ જણાવી તેમણે મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ તથા મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. તેમણે જિલ્લામાં જિલ્લામાં પ્રવર્તી રહેલા જેન્ડર રેશિયો,ઇ.પી.રેશિયો તેમજ ખાસ ઝૂંબેશ દરમિયાન હાલની પરિસ્થતિએ કરવામાં આવેલી કામગીરીની પણ સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...