કામ નહીં તો વોટ નહીં:સંખેડાના ગુંડેર ગામના ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર, ઉચ્છ નદી ઉપર છલિયું ન બનાવાતા કર્યો નિર્ણય

છોટા ઉદેપુર15 દિવસ પહેલા

સંખેડા તાલુકાના ગુંડેર ગામના ગ્રામજનો દ્વારા ઉચ્છ નદી ઉપર છલીયું ન બનાવાતા ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ગુંડેર ગ્રામજનોએ ગત ચૂંટણીમાં પણ બહિષ્કાર કર્યો હતો અને જ્યાં સુધી છલિયું નહીં બનાવાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરાશે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે.

તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પણ બહિષ્કાર કર્યો
સંખેડા તાલુકાના ગુંડેર ગામથી સંખેડા તરફ આવવાના ટૂંકા રસ્તા ઉપર ઉચ્ચ નદી આવે છે. આ રસ્તે માંડ દોઢ કિલોમીટરમાં સંખેડા આવી શકાય છે. જ્યારે વાયા હાંડોદ થઈને આવે તો 9 કિલોમીટરનો ફેરો થાય છે. જેથી ગુંડેરના ગ્રામજનો દ્વારા ઉચ્છ નદી ઉપર છલિયું બનાવવા માટેની માગ કરાઈ રહી છે. પરંતુ તંત્ર દ્વારા આ માગ ન સંતોષ થતાં વર્ષ 2020માં યોજાયેલી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.

બેનર લઈને સૂત્રોચાર કર્યા
આગામી તા. 5 ડિસેમ્બરના રોજ સંખેડા વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણીનો પણ ગ્રામજનો દ્વારા બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુંડેર ગામમાં ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારનું બેનર પણ લગાવવામાં આવ્યું છે. કામ નહીં તો વોટ નહીં અને ઉચ્છ નદી ઉપર છલીયાના અભાવે પડતી મુશ્કેલી હોઈ એ વાત તંત્ર સુધી વધુ એક વખત પહોંચાડવા માટે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર પણ કર્યો છે. હાથમાં બેનર પકડીને સૂત્રોચાર કરીને ગ્રામજનો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી છલીયું ન બનવાને કારણે તેઓ પરેશાન હોય બહિષ્કાર કરવા અંગેના સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...