લોકોને હાલાકી:જિલ્લામાં બગડેલા હેન્ડપંપની મરામત ન થતાં લોકોને હાલાકી

છોટાઉદેપુર‎એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નેતાઓ છેલ્લા 5 વર્ષથી પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ લાવી શકયા નથી
  • નલ સે જલ યોજના અંતર્ગત નલ બનાવ્યાં પરંતુ તેમાં પાણી આવતું નથી

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં તંત્ર દ્વારા લાખોના ખર્ચે હેન્ડપંપ બેસાડવામાં આવ્યા છે. જેમાં એક તાલુકા દીઠ અંદાજે 3000 જેટલા હેન્ડપંપ ફિટ કરવામાં આવ્યા છે. પરંતુ અંતરિયાળ વિસ્તારની ગ્રામીણ પ્રજા જણાવી રહી છે કે ઘણા હેન્ડ પંપમાં પાણી આવતું નથી. ઘણા બગડેલી હાલતમાં છે.

જ્યારે હેન્ડપંપની ફરિયાદ નિવારવા અંગે ગ્રામીણ આદિવાસી પ્રજા કોને ફરિયાદ કરવા જાય? કોઈ સાંભળતું નથી. સરકારના ટોલફરી નંબર 1916 ઉપર ફરિયાદ કરવાની છે. પરંતુ ગરીબ આદિવાસી અબોધ અને ભોળી પ્રજામાં ઘણાને આ વાતની જાણ નથી હોવાનું પણ બહાર આવ્યું છે.

જ્યારે ઘણા ફરિયાદ કરે છે તે પ્રમાણમાં તેનો નિકાલ થતો નથી. તેમ પણ ગ્રામીણ વિસ્તારમાં લોકમુખે ચર્ચા ચાલી રહી છે. આ અંગે જિલ્લા કક્ષાની ઓફિસોમાં તપાસ કરવામાં આવે કે કેટલા હેન્ડપંપ બંધ હાલતમાં છે તો સાચી હકીકત બહાર આવે તેમ પ્રજામાં માંગ ઉઠી છે.

છોટાઉદેપુર જિલ્લામાં ઉનાળા દરમ્યાન રેતીના મોટા કૌભાંડ તથા ગેરકાયદેસર રેતી ખનનને કારણે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી તથા અન્ય 6 જેટલી નદીઓમાં પાણીના સ્તર ઊંડા જતા રહ્યા છે. જેના કારણે ઉનાળામાં પ્રજાને તરસ્યા રહેવાનો વારો આવે છે. હાલમાં નલસે જલ યોજનામાં પણ ભારે ભ્રષ્ટચાર થયા હોવાના આક્ષેપો પણ થયા છે.

નલ બનાવ્યાં પરંતુ તેમાં પાણી આવતું નથી. હવે ઉનાળામાં પાણીની સમસ્યા ભારે થાય છે. અને અધૂરામાં પુરા હેન્ડપંપ રીપેર થતા નથી જેના કારણે ભારે હાલાકી ભોગવવી પડે છે. હવે તંત્ર દ્વારા ઊચ્ચ કક્ષાએથી જો તપાસ કરવામાં આવે તો હેન્ડપંપ અંગે સાચી પરિસ્થિતિની જાણકારી મળી શકે તેમ છે.

હાલના સમયમા જિલ્લાના વરિષ્ટ નેતાઓ ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત બન્યા છે. પરંતુ છેલ્લા 5 વર્ષથી પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ લાવી શકયા નથી. જે ભારે શરમજનક વાત છે. પ્રજામાં ચાલતી ચર્ચાઓ મુજબ જિલ્લામાં એક તાલુકા દીઠ રીપેરીંગ અર્થે ત્રણ ગાડી ચલાવવી જોઈએ જેની જગ્યાએ એકજ ગાડી આવે છે.

રીપેરીંગ કરીને જાય અને થોડા દિવસોમા જ ફરી હેન્ડપંપ બગડી જાય છે. પાણીની સમસ્યા અર્થે આજેપણ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારની આદિવાસી અબોધ પ્રજા ફરિયાદ કરે છે. પરંતુ કોઈ ઉકેલ આવતો નથી. જેની પણ ફરિયાદ પ્રજા કરી રહી છે. આવનારા દિવસોમાં ચૂંટણી લડવા માંગતા નેતાઓ પ્રજાની સમસ્યાઓને ધ્યાને લઇ સરકારમાં યોગ્ય રજૂઆતો કરે અને સમસ્યા હલ કરે તેવી લોક માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...