ગંભીર પગલું ભર્યું:ઘર કંકાસથી કંટાળી માતાનો 2 દીકરી સાથે કૂવામાં ભૂસકો, પુત્રીઓનાં મોત

છોટાઉદેપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર નગરમાં મહુડી ફળિયામાં રહેતી મહિલાએ ગંભીર પગલું ભર્યું
  • ફાયર ફાઈટરોએ માતા હેમખેમ બહાર કાઢી, જ્યારે 1 પુત્રીનું જનરલ હોસ્પિ.માં મોત જ્યારે બીજી પુત્રીની લાંબા સમય સુધી શોખખોળ કર્યા બાદ મૃતદેહ મળ્યો

છોટાઉદેપુર નગરમાં રાણી બંગલા વિસ્તારમાં આવેલ દાલ મિલ પાસે સુમસામ જગ્યાએ અવાવરું કૂવો આવેલો છે. જ્યાં તા. 8, બુધવારે સાંજે 6 વાગ્યાની આસપાસ મહુડી ફળિયામાં રહેતી વર્ષાબેન ચેતનભાઈએ પોતાની 3.5 વર્ષની તથા 1 વર્ષની બાળકી સાથે કૂવામાં કૂદી ગઈ હતી. જેની જાણ આસપાસના રહીશોને થતા સૌ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને નગર પાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાયટરો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી.

જે રેસ્ક્યુ દરમ્યાન માતાને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી અને જ્યારે 1 પુત્રીને જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ત્યાં મૃત જાહેર કરવામાં આવી હતી. અને બીજી પુત્રીની લાંબા સમય સુધી શોધખોળ કરતા બીજી પુત્રીનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મહિલાએ કૂવામાં લગાવેલી મોતની છલાંગ પાછળ હાલ ઘર કંકાસનું કારણ જાણવા મળી રહ્યું છે. અને માતાએ બંને પુત્રીઓને ગુમાવી દીધી છે. નગરમાં આ ગંભીર બનાવ બનતા ચકચાર મચી ગયો હતો. ઉપરોકત કૂવામાં અગાઉ પણ આવા બનાવ બનેલા હોય તાત્કાલિક ધોરણે આ કુવાને પુરી દેવા રહીશો દ્વારા માગ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...