ઉજવણી:છોટાઉદેપુર ખાતે 75મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જુદા જુદા વિભાગમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓને સન્માનિત કરાઈ
  • મંત્રી કિશોરભાઈ કાનાણીએ વિકાસ કામો માટે રૂા. 25 લાખનો ચેક જિલ્લા કલેક્ટરને એનાયત કર્યો

છોટાઉદેપુર ખાતે યોજાયેલા 75મા સ્વાતંત્ર્ય પર્વ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની જિલ્લાકક્ષાની ઉજવણી પ્રસંગે પ્રજાજોગ સંબોધન કરતા આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબ શિક્ષણ રાજ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વની સાથે ભારત દેશ પણ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે. ત્યારે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયની અવિરત વિકાસ યાત્રાને સતત ચાલુ રાખી છે. પૂજય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ અને શ્યામજી કૃષ્ણ વર્મા જેવા કેટલાય મહાનુભાવોના જીવન સમર્પણને કારણે આજે આપણે આઝાદીની હવામાં શ્વાસ લઇ રહ્યા છે એમ જણાવ્યું હતું.

ખૂટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ, છોટાઉદેપુર ખાતે તિરંગાને સલામી આપી મંત્રીએ ગુજરાત સરકાર દ્વારા કોરોના મહામારી દરમિયાન કરવામાં આવેલી પ્રજાલક્ષી કામગીરીનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે, અર્થતંત્રની ગતિ પણ બરકરાર રહે અને લોકોને સારવાર પણ મળી રહે એ માટે સરકાર દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. રાજય સરકારે કોરોનાની બીજી લહેરમાં લોકોને મફત અને ગુણવત્તાયુકત સારવાર મળે એ માટે 1.50 લાખ બેડ, 75000 આઇ.સી.યુ. બેડની વ્યવસ્થા કરી છે.

તેમજ માત્ર એક અઠવાડિયાના સમયગાળા દરમિયાન જ 175 જેટલી 108 એમ્બ્યુલન્સની ખરીદી કરી પ્રજાને અર્પિત કરી છે એમ જણાવ્યું હતું. આ ઉપરાંત દર્દીઓની સારવારમાં ઉપયોગી 7.50 લાખ ઇન્જેકશનની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત 1250 મેટ્રિક ટન ઓક્સિજનની સુવિધા પણ સરકાર દ્વારા કરવામાં આવી હોવાનું જણાવી તેમણે રાજયની તમામ સરકારી હોસ્પિટલોમાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરી કાર્યરત કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે રાજય સરકારે રૂા. 4775 કરોડની સહાય ખેડૂતોને ચૂકવી છે. ગરીબોને 25 કિલો અનાજ વિનામૂલ્યે આપવાનું ભગીરથ કાર્ય પણ કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

75મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દરમિયાન મંત્રી અને અન્ય મહાનુભાવોએ જુદા જુદા વિભાગમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને નવાજયા હતા. આ ઉપરાંત મંત્રી કાનાણીએ કોરોના વોરિયર્સનું શાલ ઓઢાડીને સન્માન પણ કર્યું હતું. અંતમાં મંત્રી અને મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રી કિશોરભાઇ કાનાણીએ જિલ્લા કક્ષાની ઉજવણી નિમિત્તે વિકાસકામો માટે રૂા. 25 લાખનો ચેક જિલ્લા કલેકટરને એનાયત કર્યો હતો. મંત્રી અને અન્ય મહાનુભાવોએ જિલ્લા ચૂંટણીતંત્રના સ્વીપ એકટીવીટીના ભાગરૂપ મુકવામાં આવેલ સ્વીપ ડેમોક્રેસી વોલ પર સહી કરી સ્વીપ એકટીવીટીનો પ્રારંભ કરાવ્યો હતો.

નસવાડી તાલુકા સેવાસદન પર 75મા સ્વતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી
નસવાડી તાલુકા સેવાસદનમાં તાલુકા કક્ષાના 75મા સ્વતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ હતી. મામલતદાર જી.આર. હરદાસણીના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકવામાં આવ્યો હતો. સાથે તાલુકાની કચેરીથી લઈ પ્રાથમિક શાળામાં ઉજવણી કરાઈ હતી. કોરોના વોરિયર્સ સાથે સારા શિક્ષકોને સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...