છોટાઉદેપુર ખાતે આવેલી ગુજરાત પોલીસ આર્ચરી એકેડેમી, પોલીસ પરેડ ગ્રાઉન્ડ, છોટાઉદેપુર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં 72મા, જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોના યોગદાન અંગે વાત કરી તેમણે દરેક વ્યક્તિએ વૃક્ષ વાવી તેનું જતન અને સંવર્ધન કરવું જોઇએ એમ જણાવ્યું હતું. તેમણે વન વિભાગની ખેડૂતલક્ષી યોજનાઓ અંગે વિગતે વાત કરી તેમણે ખેડૂતોને આ યોજનાઓનો લાભ લઇ પૂરક આવક ઉભી કરવા અનરોધ કર્યો હતો. વૃક્ષોના જતન અને સંવર્ધન થકી પ્રકૃતિની રક્ષા કરવા સૌને આહ્વાન કર્યું હતું. ઉપરાંત તેમણે છોટાઉદેપુર જિલ્લાની વિવિધ નર્સરીઓમાં 28.12 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું અનેરૂં મહત્વ હોવાનું જણાવી વન વિભાગ દ્વારા સ્થાનિક લોકો સાથે મળીને વૃક્ષારોપણ કરી વૃક્ષોનું જતન અને સંવર્ધન થાય એવા ઘનિષ્ઠ પ્રયાસ કરવાની જરૂર હોવાનું કહી આ ઉપરાંત આદિવાસી સમાજના લોકો પાસે રહેલા પરંપરાગત વનૌષિધ જ્ઞાનનો ઉપયોગ કરી ઔષધિય વૃક્ષોનું જતન કરવામાં આવે જેથી યુવા પેઢીને એનું જ્ઞાન તેમજ સમજ મળી રહે એમ વધુમાં ઉમેર્યું હતું.
અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક આર.કે.સુગૂર અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘે પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરી વન મહોત્સવના આયોજનનો આશય સ્પષ્ટ કરી પ્રકૃતિની જાળવણી માટે વૃક્ષો ખૂબ અગત્યનો ભાગ ભજવતા હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ અને અન્ય મહાનુભાવોએ લાભાર્થીઓને ચેક વિતરણ કરી વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લાના કલગામ ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આયોજીત રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ, વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.