તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:1182 આંગણવાડીના 40606 બાળકોને ગણવેશ વિતરણ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરાયું હતું. - Divya Bhaskar
જિલ્લાની આંગણવાડીના બાળકોને ગણવેશ વિતરણ કરાયું હતું.
  • ICDSની યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લા સેવાસદન ખાતે કાર્યક્રમ યોજાયો

રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયની આંગણવાડીના ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોના હિતમાં સંવેદનાસભર નિર્ણય કરી માસૂમ ભુલકાઓ માટેની ગણવેશ યોજનાનો ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો. આ યોજના થકી છોટાઉદેપુર જિલ્લાની 1182 આંગણવાડીના 40606 બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યા હતા.

રાજયના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળની આઇ.સી.ડી.એસ.ની આ યોજના અંતર્ગત જિલ્લા સેવાસદન છોટાઉદેપુર ખાતે આવેલ સંકલન સમિતિ હોલમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંઘની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

રાજયના આંગણવાડીના ગરીબ અને મધ્યમવર્ગીય બાળકો માટે ગણવેશ યોજના અમલમાં મુકનારૂં ગુજરાત પ્રથમ અને એકમાત્ર રાજય હોવાનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા લેવામાં આવેલા આ સંવેદનાસભર નિર્ણયથી રાજયની 53,029 આંગણવાડીના 14 લાખ બાળકોને 36.28 કરોડના ખર્ચે ગણવેશ વિતરણ કરવામાં આવશે.

એવું કહી તેમણે કોરોના કાળ દરમિયાન રાજયના 3થી 6 વર્ષના 16 લાખ બાળકોને પોષણક્ષમ આહાર માટે દર અઠવાડિયે 1 કિલોગ્રામ સુખડીનું વિતરણ કરવામાં આવ્યું હતું. કોરોના સંક્રમણ કાળ દરમિયાન આઇ.સી.ડી.એસ.ના હેન્ડ વોશ કેમ્પેઇનમાં એકસાથે પાંચ લાખ બહેનોએ પાંચ હજાર સ્થળેથી જોડાઇને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ગૌરવંતી સિદ્ધિ માટે લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ, લંડનના પ્રતિનિધિએ મુખ્યમંત્રીને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું.

છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવાએ આંગણવાડીના બાળકો માટે લેવામાં આવેલા નિર્ણયની પ્રસંશા કરી હતી. તેમણે રાજય સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી ગરીબ અને મધ્યમવર્ગીય બાળકોને ખૂબ ફાયદો થશે તથા આંગણવાડીમાં જતા સારા ઘરના બાળકો સારા કપડા પહેરીને આંગણવાડીમાં આવે ત્યારે ગરીબ ઘરના બાળકોના મનમાં ઓછું ન લાગે એનું ધ્યાન સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે એમ જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ આંગણવાડીના ભુલકાઓને ગણવેશનું વિતરણ કર્યું હતું.

કાર્યક્રમમાં છોટાઉદેપુર તાલુકા પંચાયત પ્રમુખ, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી આનંદભાઇ ઉકાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશભાઇ ચૌધરી, આઇ.સી.ડી.એસના પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજજર, અન્ય અધિકારી, પદાધિકારી, આઇ.સી.ડી.એસના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...