શ્રદ્ધાળુઓ ઉમટશે:નંદેરીયા ગામે ગંગાસપ્તમી નિમિત્તે બેવડા માહાત્મ્ય સાથે શ્રદ્ધાળુઓ ઉમટશે

ચાંદોદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૈશાખ સુદ સાતમે રવિવારે ‘ગંગા નર્મદા સ્નાન’ કરી શકાશે
  • ​​​​​​​શ્રદ્ધાળુઓ માટે રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ કરાશે

ચાંદોદ નજીકના નંદેરીયા ગામે આગામી વૈશાખ સુદ સાતમ તા. 8 મે ને રવિવારના રોજ ગંગાસપ્તમી નિમિત્તે “ગંગા નર્મદા સ્નાન”ના બેવડાં મહાત્મ્ય સાથે શ્રદ્ધાળુઓ ઉમટશે. આ માટે સમસ્ત નંદેરીયા ગામ સહિત શ્રી નંદીકેશ્વર મહાદેવના સંચાલકો દ્વારા આવનાર શ્રદ્ધાળુઓ માટે રહેવા-જમવાની સુવિધાની તૈયારીઓ કરાઈ છે.

ચાંદોદ નજીકના નંદેરીયા ગામે ભારતનું એકમાત્ર જ્યોતિર્લિંગના મહાત્મ્ય ધરાવતા શ્રી નંદિકેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિરમાં સ્વયંભૂ નંદીકેશ્વર મહાદેવ બિરાજમાન છે. આ સ્થળના મહિમાની કથા વાર્તા મુજબ વર્ષ દરમિયાન ગંગાજીમાં હજારો ભક્તો સ્નાન કરે છે, જેના પરિણામે ગંગાજીમાં પાપોનો ભરાવો થાય છે ત્યારે દુઃખી થયેલા માં ગંગાજી શિવજીને પ્રાર્થના કરી આ પાપોની મુક્તિ માટેનો ઉપાય પૂછતાં દેવાધિદેવ મહાદેવજી પ્રસન્ન થઈ જણાવે છે કે પ્રતિવર્ષ ગુજરાતના વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ નજીકના નંદેરીયા ગામે ઉપ જ્યોતિર્લિંગ તરીકે બિરાજમાન શ્રી નંદીકેશ્વર મહાદેવ પાસેના નર્મદા કિનારે વહેલી સવારે બ્રહ્મ મૂહુર્તમાં સ્નાન કરવાથી સઘળા પાપોમાંથી મુક્તિ મળશે.

ત્યારથી હજારો વર્ષોથી મા ગંગાજી વૈશાખ સુદ સાતમના દિને બ્રહ્મ મુહૂર્તમાં ગંગાધરા સંગમે પ્રગટ થાય છે અને નર્મદાજીમાં પુણ્યકારી સ્નાન કરી વર્ષ દરમિયાન થયેલા પાપોના ભરાવામાંથી મુક્તિ પામે છે. આવા અનન્ય મહિમા સાથેની પરંપરા મુજબ પ્રતિવર્ષ વૈશાખ સુદ સાતમના આગલા દિવસ એટલે કે વૈશાખ સુદ છઠના દિવસે રાત્રીથી જ શ્રદ્ધાળુઓ પધારી અહીં ભરાતા મેળા તેમજ રાત્રિના ધાર્મિક કાર્યક્રમોમાં જોડાઈ વહેલી સવારે બ્રહ્મ મૂહુર્તમાં ગંગા નર્મદા સ્નાનનો બેવડો પુણ્ય લાભ લઈ શ્રી નંદીકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરતા રહ્યા છે. આ વર્ષે તારીખ 8 મેને રવિવારના રોજ ગંગાસપ્તમી હોવાથી આગલા દિવસથી જ પધારતા તમામ શ્રદ્ધાળુઓ માટે સમસ્ત નંદેરીયા ગામ તથા શ્રી નંદીકેશ્વર મહાદેવ મંદિર સંચાલકો દ્વારા આયોજનોની તૈયારી આરંભાઇ છે.

અન્ય સમાચારો પણ છે...