આદિજાતિ વિકાસ મંડળની બેઠક:છોટાઉદેપુર પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં વિકાસ કામો મંજુર કરાયા, બાકી રહેલા કામો શરૂ કરવા તાકીદ કરાઈ

છોટા ઉદેપુરએક મહિનો પહેલા

જિલ્લાના વિકાસને નવી ઉંચાઇ પર લઇ જવા માટે અધિકારી અને પદાધિકારીઓ પરસ્પર સંકલનમાં રહી કામગીરી કરે એવી અપેક્ષા રાજયના આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબીબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી નિમિષાબેન સુથારે જણાવ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લાના વડામથક ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં યોજાયેલ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રાજયના તમામ વર્ગોનો સમતોલ વિકાસ થાય એ માટે ખૂબ સારી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. પદાધિકારીઓ સતત લોકસંપર્કમાં રહેતા હોવાને કારણે લોકોની પડતી મુશ્કેલીઓ અંગે સારી પેઠે વાકેફ હોય છે, તેથી પદાધિકારીઓ દ્વારા જે કામો સૂચવવામાં આવે એ કામોને અગ્રતા આપીને આયોજનમાં સમાવેશ કરવામાં આવે એ જરૂરી છે, એમ જણાવી તેમણે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન આદિજાતિ વિકાસ મંડળ દ્વારા મંજૂર કરવામાં આવેલા કામો પૈકી પૂર્ણ થયેલા પ્રગતિ હેઠળના તેમજ બાકી કામો અંગે વિગતે ચર્ચા કરી તેમણે પ્રગતિ હેઠળના કામો ઝડપથી પૂર્ણ થાય અને બાકી કામો શરૂ કરવાની પ્રક્રિયા ઝડપથી કરવામાં આવે એવી તાકીદ કરી હતી.

બેઠક દરમિયાન ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામભાઇ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સાંસદ શ્રીમતી ગીતાબેન રાઠવા, રાજયસભા સાંસદ નારણભાઇ રાઠવા, સંખેડાના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, જેતપુરપાવીના ધારાસભ્ય મોહનસિંહભાઇ રાઠવા, જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ અને જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહે પણ ઉપયોગી સૂચનો કરી માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા આયોજનની આ બેઠકમાં છોટાઉદેપુર તાલુકા માટે કરવામાં આવેલા રૂ.1068.98 લાખના 417 કામો, કવાંટ તાલુકા માટે કરવામાં આવેલા રૂ.995.70 લાખના 407 કામો, જેતપુર પાવી તાલુકા માટે કરવામાં આવેલા રૂ. 573.22 લાખના 245 કામો, નસવાડી તાલુકા માટે કરવામાં આવેલા રૂ. 719.13 લાખના 276 કામો, સંખેડા તાલુકા માટે કરવામાં આવેલા રૂ. 148.61 લાખના 64 કામો અને બોડેલી તાલુકા માટે કરવામાં આવેલા રૂ. 283.51 લાખના 121 કામો મળી કુલ રૂ. 3794.15 લાખના 1530 કામોનું આયોજન મંજૂર કરવામાં આવ્યા હતું.

અન્ય સમાચારો પણ છે...