છોટાઉદેપુર નગરપાલિકા ઘણા સમયથી ચર્ચામાં ચાલી રહી છે. પ્રમુખ સામે કુલ 28માંથી 25 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી. જે મામલો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. પરંતુ બે દિવસ પહેલા પૂર્વ પ્રમુખે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભાજપ, બહુજન સમાજ પાર્ટી, બીટી પીને અપક્ષ સભ્યોનો અમોને પૂર્ણ સહયોગ છે. ફ્લોર ટેસ્ટ કરવાનો આવશે તો અમો સર્વેના સહયોગથી પાસ કરીશું તેમ જણાવ્યું હતું. છૂટા પડી ગયેલા બસપા પાલિકા સભ્યો અચાનક એક સાથે ભેગા થતા ચર્ચાનો દોર શરૂ થઈ ગયો હતો.
પરંતુ તેમાં પણ યુટર્ન આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. તા 12 ઓગસ્ટ 2021ના રોજ 28માંથી 15 બહુમતી સભ્યોએ નગરપાલિકા ચીફ ઓફિસરને બિલ નહિ ચૂકવવા તથા નીતિ વિષયક નિર્ણય નહિ લેવા પત્ર લખી માગ કરી છે. જેના જણાવ્યું છે કે અમે બહુમતી સભ્યો જણાવીએ છીએ કે કોઈપણ નીતિ વિષયક નિર્ણય લેવો નહિ લાઈટ બિલ, પગાર બિલ તથા ડીઝલ બિલ સિવાય કોઈ નાણાં ચૂકવવા નહિ નવા કોઈ વર્ક ઓર્ડર આપવા નહિ અને નવી કોઈ ખરીદી કરવી નહીં.
જો કોઈ ચૂક થશે તો સંપૂર્ણ જવાબદારી ચીફ ઓફિસર તથા એકાઉન્ટર તથા કર્મચારીની રહેશે અને કોઈપણ નાણાંકીય વ્યવહાર કરતા પહેલા બહુમતી સભ્યોની મંજૂરી લેવી ફરજીયાત રહેશે. તેમ પત્રમાં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ભારતીય જનતા પાર્ટીના ફક્ત 4 સભ્યો હોવા છતાં અન્ય સભ્યોના ટેકાથી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બને તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે. જોકે ભાજપના સંગઠન અને ચૂંટાયેલી પાંખના કેટલાક આંતરિક વિખવાદોને કારણે ભાજપા સત્તાથી દૂર રહે અને બસપાનું જ બોર્ડ ચાલુ રહે એવી ચર્ચાઓ ચાલી રહી છે.
જાણવા મળ્યા મુજબ એક જૂથના સભ્યો કારોબારી અધ્યક્ષને પદ ઉપરથી દૂર કરવા સહી ઝુંબેશ ચલાવી રહ્યા છે. પરંતુ જરૂરી 15ની જગ્યાએ માત્ર 10 સભ્યોની સહી થઈ હોવાનું લોક મુખે સંભળાઈ રહ્યું છે. વર્ષો પછી ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલના સભ્યને પ્રમુખ પદનો તાજ પહેરવા મળે એમ લાગી રહ્યું છે. પરંતુ ભાજપના ચાર સભ્યોમાં પણ બે-બે સભ્યોનું જૂથ હોય એવું લાગે છે. જેને કારણે ભાજપ સત્તાથી ફરી એકવાર દૂર રહેશે તો નવાઈ નહીં. હાલમાં નગરમાં તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે.
ભાજપનું બોર્ડ બને તો અમે ટેકો આપીશું
જો ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બને તો અમો અપક્ષ ચૂંટાયેલા સભ્યો તથા અન્ય સભ્યો ભાજપને ટેકો આપીશું. વંદન જે પંડ્યા, અપક્ષ સભ્ય, નગરપાલિકા
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.