મ્યુકોરમાઇકોસિસનું વધતુ પ્રમાણ:છોટાઉદેપુરમાં મ્યુકોરમાઇકોસિસના શંકાસ્પદ કેસમાં 2 વ્યક્તિઓના મોત

છોટાઉદેપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુકોરમાઇકોસિસના નવા 11 શંકાસ્પદ કેસ સાથે જિલ્લામાં કુલ આંક 32 થયો
  • સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં બુધવારે કોરોના પોઝિટિવનો માત્ર એક જ કેસ નોંધાયો

છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારે નવી મ્યુકોરમાઇકોસિસ (બ્લેક ફંગસ) નામની બીમારીએ ભરડો લીધો છે. જેના લીધે તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. છોટાઉદેપુર જિલ્લામાં શંકાસ્પદ મ્યુકોરમાઇકોસિસના કારણે 2 વ્યક્તિના મોત થયા હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

જિલ્લામાં એક તરફ કોરોનાનો ડર ત્યારે બીજી તરફ મ્યુકોરમાઇકોસિસને કારણે પ્રજામાં ભારે ચિંતા જોવા મળી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસના) અગાઉ 21 કેસ શંકાસ્પદ સામે આવ્યા હતા. જેમાં બીજા 11 શંકાસ્પદ કેસોનો ઉમેરો થયો છે. જેથી કુલ આંક 32 ઉપર પહોંચ્યો છે. જેમાં મ્યુકોરમાઇકોસિસના શંકાસ્પદ લક્ષણો જણાતા 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.

છોટાઉદેપુર જિલ્લામાં જીવલેણ કોરોના કોવિડ-19 કેસોમાં બુધવારે નવો 1 કેસ પોઝિટિવ નોંધાયો હતો. જેમાં 36 વર્ષની યુવતી પાવીજેતપુરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેનાથી પ્રજામાં ભારે રાહત ફેલાઈ છે. સાથે સાથે પ્રજામાં કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં આનંદ જોવા મળી રહ્યો છે. આરોગ્ય તંત્રમાં પણ ભારે હાશકારો ફેલાયો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 2626 કેસ પોઝિટિવ નોંધાઇ ચૂક્યા છે.

બુધવારે જિલ્લાના જુદાજુદા તાલુકાઓમાંથી કોરોના તપાસ અર્થે 755 જેટલા એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ લેવામાં આવ્યા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં 2569 જેટલા દર્દીઓને સાજા થઈ જતાં રજા આપી દેવામાં આવી છે. હાલ માત્ર 21 જેટલા દર્દીઓ એડમિટ છે અને 36 દર્દીના મોત થયા છે. તેમ સત્તાવાર રીતે જાણવા મળ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીમાં છોટાઉદેપુર તાલુકામાં 756, પાવીજેતપુર તાલુકામાં 344, બોડેલી તાલુકામાં 723, સંખેડા તાલુકામાં 291, કવાંટ તાલુકામાં 211, નસવાડી તાલુકામાં 301 કેસ પોઝિટિવ નોંધાઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...