કોરોનાની ત્રીજી લહેરની દસ્તક:છોટાઉદેપુર જિલ્લામાં 135 દિવસ બાદ 2 પોઝિટિવ કેસ સાથે કોરોનાની એન્ટ્રી

છોટાઉદેપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ગત 21 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા, બુધવારે ફરી કેસ આવતાં કોરોનાનો કુલ આંક 2645 : ઓમિક્રોન ટેસ્ટ અર્થે સેમ્પલ લેવાયાં
  • છોટાઉદેપુર શહેરમાં 20 વર્ષનો યુવાન તથા બોડેલી નગરમાં 18 વર્ષની યુવતી સંક્રમિત,
  • જિલ્લાવાસીઓમાં ડરનો માહોલ સર્જાયો

છોટાઉદેપુર જિલ્લામાં ચાર મહિના બાદ ફરી કોરોનાના જીવલેણ વાઇરસે પગ પેસારો કર્યો છે. બુધવારે તા.5મીના રોજ જિલ્લામાં 2 કેસ પોઝિટિવ નોંધાતાં ભારે દહેશત જોવા મળી રહી છે. કોરોનાની બીજી લહેર પછી જિલ્લામાં કોઈ કેસ એક્ટિવ નહોતા. પરંતુ ફરી એક વાર કોરોનાએ જિલ્લામાં એન્ટ્રી મારતાં જાણે કોરોનાની ત્રીજી લહેરે દસ્તક આપી હોય તેમ લાગે છે.

ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં છેલ્લે તા.21 ઓગસ્ટ, 2021ના રોજ 3 કેસ નોંધાયા હતા અને કુલ આંક 2643 પર પહોંચ્યો હતો. હવે ચાર મહિના બાદ બુધવારે નવા 2 એક્ટિવ કેસ મળતાં કુલ આંક 2645 થયો છે. પાવીજેતપુર તાલુકામાં પણ બુધવારે એક આરોગ્ય કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. જોકે તેને તુરંત ક્વોરન્ટાઇન કરી દેવાયો હતો.

જિલ્લા આરોગ્ય તંત્રના જણાવ્યા મુજબ બુધવારના રોજ જિલ્લાના છોટાઉદેપુર શહેરમાં 20 વર્ષનો યુવાન સરદાર નગર સોસાયટી તથા બોડેલી શહેરમાં 18 વર્ષની યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફરી શહેરની પ્રજામાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. ચાર મહિના બાદ કોરોનાના ફરી આગમનથી આરોગ્ય તંત્ર પણ સાબદંુ બન્યું છે.

તમામના ઓમિક્રોન ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવશે. જિલ્લામાં કોરોના સેમ્પલની સંખ્યામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. બુધવારે જિલ્લામાં કોરોના તપાસ અર્થે 1238 જેટલા એન્ટિજન અને આરટીપીસીઆર સેમ્પલ જિલ્લાના 6 તાલુકાઓમાંથી લેવામાં આવ્યા હતા.

જિલ્લામાં બે વ્યક્તિઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓના ઓમિક્રોન ટેસ્ટ અર્થે સેમ્પલ લેવામાં આવશે અને તે ગાંધીનગર મોકલવામાં આવશે, તેમ જિલ્લા આરોગ્ય અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. પ્રજાને કોરોના અંગે સાવચેત રહેવા અને સ્વ બચાવ અર્થે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તથા સેનિટાઇઝરનો અવશ્ય ઉપયોગ કરવા જિલ્લા આરોગ્ય અધિકારીએ અપીલ કરી હતી.

પાવીજેતપુરમાં આરોગ્ય કર્મી જ પોઝિટિવ
પાવીજેતપુરમાં લગભગ 6 મહિનાબાદ કોરોનાએ દેખા દેતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. અને આરોગ્ય કર્મચારી જ કોરોનાની ઝપેટમાં આવી જતાં આરોગ્ય તંત્ર સાબદુ બન્યું છે. તાલુકાના એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો લેબ ટેક્નિશિયનનો એન્ટિજન ટેસ્ટ કરતા પોઝીટીવ આવ્યો અને તરત જ તેને પોતાના ઘરે મોકલીને કવોરન્ટાઇન કરી દેવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...