ચકચાર:યુનાઇટેડ પબ્લિક સ્કૂલના શિક્ષકોએ સામૂહિક રાજીનામા આપતા વિવાદ વકર્યો

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
છોટાઉદેપુરમાં આવેલી યુનાઇટેડ પબ્લિક સ્કૂલ શનિવારે બંધ રહી હતી. શાળામાં વિદ્યાર્થીઓના ગણવેશ  બાબતે શિક્ષકો અને વાલીઓ વચ્ચે વિવાદ આજે વધુ વકર્યો છે. - Divya Bhaskar
છોટાઉદેપુરમાં આવેલી યુનાઇટેડ પબ્લિક સ્કૂલ શનિવારે બંધ રહી હતી. શાળામાં વિદ્યાર્થીઓના ગણવેશ બાબતે શિક્ષકો અને વાલીઓ વચ્ચે વિવાદ આજે વધુ વકર્યો છે.
  • છોટાઉદેપુરની શાળામાં પહેરવેશ બાબતે વિવાદ થતાં શનિવારે શાળા બંધ રહી હતી
  • વાલીઓએ શિક્ષણાધિકારીને રજૂઆત કરી : આજે શાળા ખુલશે કે નહિં ? એક ચર્ચા

છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તારમાં આવેલી યુનાઇટેડ પબ્લિક સ્કૂલમાં શાળામાં નક્કી કરેલા ગણવેશની જગ્યાએ ઝભ્ભા પહેરીને અમુક વિદ્યાર્થીઓ આવ્યા હતા. જે બાબતે તેઓને શાળા તરફથી ઘરે પરત મોકલી આપતા વાલી અને શિક્ષકો વચ્ચે વિવાદ સર્જાયો હતો. જોકે સમગ્ર વિવાદ સર્જાતા શનિવારે શાળા બંધ રાખવાની ફરજ પડી હતી. શિક્ષકો પણ શાળાએ ન આવ્યા હતા. જોકે આ વિવાદના પગલે શાળાના તમામ શિક્ષકોએ પણ રાજીનામા ધરી દીધા હતાં. દરમિયાન સમાધાન થયુ હોવાની વાત ફરતી થઇ હતી. પરંતુ આવતીકાલે શાળા શરૂ થશે કે કેમ ? તે મુદ્દો સમગ્ર નગરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે બીજી બાજુ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી હતી.

શાળાના વાલીઓએ શિક્ષણાધિકારીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, બાળકોની સામે સ્કૂલના યુનિફોર્મ ઝભ્ભા સ્વરૂપનો યુનિફોર્મ પહેરવાની બાબતે વાંધો ઉઠાવી તા 12/11/22 ના શનિવારથી શાળા બંધ રાખવાનો મનસ્વી નિર્ણય લીધેલ છે. શાળામાં અભ્યાસ કરતા બાળકોને ઝભ્ભા સ્વરૂપના યુનિફોર્મની જગ્યાએ શર્ટ પહેરીને આવવા જણાવ્યું હતું.

જે બાબતે છોટાઉદેપુર ઇસ્લાકે મુઆશરા છોટાઉદેપુર કમિટીના સભ્યો રૂબરૂ બરોડા મુસ્લિમ મેડિકલ પાણીગેટ વડોદરા ખાતે ટ્રસ્ટીઓએ ચર્ચા કરી કે ઝભ્ભા સ્વરૂપમાં યુનિફોર્મ બાબતે કોઈ રોકટોક કરી શકે નહીં. તેવી બાહેધરી આપી હતી. તેવો અરજીમાં ઉલ્લેખ કરેલ છે. હાલ પ્રાપ્ત માહિતી અનુસાર, સમગ્ર વિવાદ અંગે શાળા બંધ રહેતા તથા શિક્ષકોએ સામુહિક મૌખિક રાજીનામાં ધરી દેતા વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં ભારે ચિંતા જોવા મળી છે. આ અંગે આંતરિક સમાધાન થયું હોય તેવા મેસેજ ફરતા થયા હતા પરંતુ હજુ કેટલાક શિક્ષકો અવઢવમાં હોય તેમ ચર્ચાઈ રહ્યું છે. તા 14 ને સોમવારથી શાળા શરૂ થશે કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે.

બે વાલીઓએ શાળાના શિક્ષક સાથે ગેરવર્તન કર્યુ હતું
શાળાના ટ્રસ્ટી મંડળે સ્કૂલના સંચાલન માટે મારી નિમણૂક કરી હતી. પરંતુ શાળાના નક્કી કરેલા નિયમો તથા શિસ્તપાલનએ સંસ્થાની પ્રાથમિકતા હોઇ જેનો અમલ કરવો સમગ્ર સ્ટાફ ગણ તથા વિદ્યાર્થીઓ અને વાલીઓએ જરૂરી હોય તેનું પાલન ન થતા બે વાલીઓ દ્વારા શાળાના શિક્ષકો સાથે ગેરવર્તણુક કરવામાં આવી હતી. જેને લઈ તમામ શિક્ષકોએ સામુહિક મૌખિક રાજીનામાં આપી દેતા શાળા બંધ રહી હતી. અને શાળાના ટ્રસ્ટી મંડળે આ અંગે કોઈ યોગ્ય નિર્ણય ન લેતા મેં પોતે પણ મારા પદેથી મૌખિક રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. - સીમાબહેન, શાળાના સંચાલક

અન્ય સમાચારો પણ છે...