મહત્ત્વના ચાર હોદ્દાઓ પર મહિલાઓનું રાજ:કલેક્ટર, જિલ્લા પંચાયત પ્રમુખથી લઈ સાંસદ સુધીના સંભાળે છે પદ; જાણો પ્રેરણારૂપ બનતી ચારેય મહિલાઓની પ્રેરણા ગાથા

છોટા ઉદેપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મહિલાઓ માટે અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે અને આ દિવસે મહિલાઓએ આપેલા યોગદાનને અન્ય મહિલાઓ માટે પ્રેરણા બને અને મહિલાઓ વધુને વધુ આગળ વધે તે માટેના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં એક નહિ ચાર ચાર મહિલાઓ પોતાના કાર્યો થકી અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બની ગઈ છે અને આ ચારેય મહિલાઓ હાલ જિલ્લાના સૌથી ઊંચા અને મહત્વના હોદ્દા પર બિરાજમાન છે. 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ, આ દિવસને મહિલાઓ માટે ઉજવવામાં આવે છે. છોટા ઉદેપુર જિલ્લામાં એક નહિ બે નહીં પણ ચાર ચાર મહિલાઓ પ્રેરણારૂપ બની ગઈ છે જ્યાં આદીવાસી જિલ્લામાં હાલ ચાર મહત્વના હોદ્દા કલેક્ટર, સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ અને આયોજન અધિકારીના હોદ્દા પર બિરાજમાન થઈ છે અને જિલ્લાનો વહીવટ સફળતાપૂર્વક સંભાળી રહી છે. સમગ્ર દેશમાં કદાચ એકમાત્ર જિલ્લો હશે કે જ્યાં સૌથી મહત્વના ચાર હોદ્દાઓ ઉપર માત્ર મહિલાઓ બિરાજમાન થઈ વિકાસની કેડીઓ કંડારતી જોવા મળી રહી છે.

આઈ.એ.એસ. કલેક્ટર સ્તુતી ચારણ
આઈ.એ.એસ. કલેક્ટર સ્તુતી ચારણ

કલેક્ટર પદે આઈ.એ.એસ. સ્તુતી ચારણ કાર્યરત
છોટા ઉદેપુર જિલ્લાના કલેક્ટર તરીકે છેલ્લા દોઢ વર્ષ કરતાં વધુ સમયથી મૂળ રાજસ્થાનના 36 વર્ષીય આઈ.એ.એસ. સ્તુતી ચારણ કાર્યરત છે. જિલ્લાના વિકાસમાં અને લોકોની સુખાકારી માટે અને ખાસ કરીને મહિલાઓ માટે પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યા છે. પોતે એક ખૂબ જ ઉચ્ચ શિક્ષણ મેળવેલ પરિવારમાથી આવે છે અને પોતાના પરિવારની પરંપરા જાળવી રાખી છે. પોતે યુપીએસસી પાસ કરીને લોકસેવામાં લાગી ગયા છે. કલેક્ટર સ્તુતિ ચારણના દાદા રાજસ્થાન કેડરમાં એક આઇ.એ.એસ. હતા અને તેઓને લોકસેવા કરતાં જોયા છે. તેઓના પિતા પણ રાજસ્થાનમાં ડે.ડાયરેક્ટર તરીકે લોકસેવા કરતા હતા. જેને કારણે તેઓને લોકસેવા માટે યુપીએસસીની પરીક્ષા પાસ કરીને લોકસેવા કરવાની ઈચ્છા થઇ હતી અને તેઓ યુપીએસસીની પરીક્ષા પાસ કરીને આઈ.એ.એસ બનીને વિવિધ જગ્યાએ કામ કરીને હાલ છોટા ઉદેપુર જિલ્લાના કલેક્ટર તરીકે સેવા આપે છે.

સાંસદ ગીતાબેન રાઠવા
સાંસદ ગીતાબેન રાઠવા

લોકસભાના સાંસદ તરીકે ગીતાબેન રાઠવા
છોટા ઉદેપુર એક આદીવાસી જિલ્લો છે. 9 વર્ષથી જ આ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો છે. જેને લઈને હજુ વિકાસ ઝાંખી રહ્યો છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લાના વિકાસ માટે સાથે સાથે આજૂબાજૂના જિલ્લાના કેટલાક વિસ્તારનો પણ વિકાસ કરવા માટે છોટા ઉદેપુર લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે પહેલીવાર એક મહિલા ગીતાબેન રાઠવાને ચૂંટવામાં આવ્યા છે. એપ્રિલ 2019થી છોટા ઉદેપુર લોકસભાના સાંસદ તરીકે 51 વર્ષીય ગીતાબેન રાઠવા કાર્યરત છે. ગીતાબેન રાઠવાએ પોતાના જીવનમા ખૂબ સંઘર્ષ કર્યો છે. સામાન્ય શિક્ષકને ત્યાં જન્મ લીધો હતો, પરિવારમાં બે નાના ભાઈ છે, જ્યારે પાંચમાં ધોરણમાં હતા અત્યારે જ તેમના પિતાનું મૃત્યુ થતાં તેમની ઉપર આભ તૂટી પડ્યું હતું અને આવક બંધ થઇ ગઈ હતી. જેને કારણે તેમની દેખભાળ કરવા માટે ખૂબ મુશ્કેલ બન્યુ હતું. ત્યારે તેમના મામાને ત્યાં બે ભાઈ સાથે જતાં રહ્યા હતા. અને ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.

ગીતાબેન રાઠવા હાલ લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે
લગ્ન બાદ પોતાના પતિના ઘરે આવ્યા ત્યારે સાસુમાં તાલુકા પંચાયતમાં સભ્ય હતા. તેઓ લોકસેવામાં અને નજીકના જ રંગપુર આશ્રમમાં સેવાર્થે અવરજવર રહેતી હોવાને લઈને તેઓને પણ લોકસેવાની ઈચ્છા થઈ હતી. ત્યારબાદ 1995માં વડોદરા જિલ્લા પંચાયતની સૈડી વાસણ બેઠકના સભ્યએ અચાનક રાજીનામું ધરી દેતા ગીતાબેન રાઠવાને પેટા ચૂટણીમાં ટિકિટ આપવામાં આવી હતી અને તે બેઠક પર તેઓ વિજેતા થયા હતા અને લોકસેવામાં લાગી ગયા હતા. ત્યારબાદ 2000, 2005માં પણ જિલ્લા પંચાયતમાં ચૂટાયા બાદ પહેલીવાર જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખપદે બીરાજમાન થયા. ત્યારબાદ અન્ય શાખાઓમાં પણ કામ કરીને સતત 25 વર્ષ સુધી જિલ્લા પંચાયતમાં ચૂટાયા હતા અને વર્ષ 2019માં છોટા ઉદેપુર લોકસભા બેઠક ઉપર પહેલીવાર મહિલાને ટિકિટ આપવામાં આવી હતી. જેમાં ગીતાબેન રાઠવાએ જંગી બહુમતીથી જીત મેળવી હતી અને હાલ લોકસભામાં પ્રતિનિધિત્વ કરે છે. તેઓ પોતે આદીવાસી સમાજ અને ખાસ કરીને મહિલાઓ માટે સરકારની યોજનાઓ થકી સતત લાભ મળે અને આત્મનિર્ભર બને તે માટે પ્રયત્ન કરી રહ્યા છે.

જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ
જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ

જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે મલકાબેન પટેલ
છોટા ઉદેપુર એક આદીવાસી જિલ્લો છે. ત્યારે જિલ્લા પંચાયતની મોટાભાગની બેઠકો અનામત છે, પરંતુ છેલ્લી યોજાયેલી ચૂટણીમાં પ્રમુખપદ બિનઅનામત હતી. તેવામાં સંખેડાના પરવેટા બેઠક પરથી વિજેતા બનેલા 36 વર્ષીય મલકાબેન પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે બિરાજમાન છે. મલકાબેન પટેલ એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેઓએ પોતે પીટીસી, એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. લગ્ન બાદ સ્વસુર ગૃહમાં પોતાના સસરા ભાજપના પાયાના કાર્યકર હતા અને સારું એવું નામ ધરાવતા હતા. ત્યારે મલકાબેન પટેલ પણ પોતાની જાતે જ મહિલાઓ માટે કઈક કરવાની ભાવના સાથે આંગણવાડીના કાર્યકર તરીકે કામ કરતાં હતા. 10 વર્ષ કામ કર્યા બાદ 2021માં જિલ્લા પંચાયતની ચૂટણી લડવા માટે ટિકિટ મળતા ચૂટણી લડ્યા અને વિજેતા બનીને જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પદ શોભાવી રહ્યા છે. મહિલા તરીકે મહિલાઓ માટે કંઇક કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે અને હાલ તો જિલ્લાના વિકાસમાં પોતાનું મહત્વનું યોગદાન આપી રહ્યાં છે.

આયોજન અધિકારી તરીકે શ્વેતાબેન ડાભી
આયોજન અધિકારી તરીકે શ્વેતાબેન ડાભી

આયોજન અધિકારી તરીકે શ્વેતાબેન ડાભી
છોટા ઉદેપુર જિલ્લો આદીવાસી જિલ્લાની સાથે સાથે નવો કહી શકાય તેવો જિલ્લો છે. ત્યારે સરકારમાંથી આવતી વિવિધ ગ્રાન્ટના આયોજન કરવા માટે આયોજન અધિકારી તરીકે છેલ્લા બે વર્ષ કરતાં વધુ સમયથી 46 વર્ષીય મહિલા અધિકારી શ્વેતાબેન ડાભી કામ કરી રહ્યા છે. સ્વેતાબેન ડાભી એક સુશિક્ષિત પરિવારમાંથી આવે છે. તેઓના પિતા રીટાયર્ડ શિક્ષણાધીકારી હતા. તેઓના પતી એક વૈજ્ઞાનિક છે. ભાઈ બહેન પણ શિક્ષણ મેળવીને વિવિધ જગ્યાએ સારી નોકરી કરી રહ્યા છે. પોતે એક શિક્ષિત પરિવારમાંથી અને સરકારી નોકરી કરતાં પરિવારમાંથી આવતા હોવાને કારણે પોતાને પણ લોકસેવા માટે સરકારી નોકરી કરવાની ઈચ્છા હતી. તેમણે એમ.કોમ સુધીનો અભ્યાસ કર્યા બાદ જીપીએસસીની પરીક્ષા પાસ કરી લેતા તરત જ આંકડાકીય કેડરમાં નોકરી મળી જતાં લોકસેવામાં લાગી ગયા હતા. હાલ છોટા ઉદેપુર જિલ્લામાં સરકાર દ્વારા ફાળવાતી કરોડો રૂપિયાની ગ્રાન્ટનું આયોજન કરવાનું કામ કરીને જિલ્લાના વિકાસમાં મહત્વનું યોગદાન આપી રહ્યાં છે.

અત્યારે સરકાર મહિલાઓ માટે ખાસ યોજનાઓ બહાર પાડીને મહિલાઓ પગભર બને અને આત્મ નિર્ભર બને તેમજ મહિલા સશક્તિકરણ માટે સરકાર પ્રયત્નશીલ છે. ત્યારે છોટા ઉદેપુર જિલ્લામાં હાલ તો ચાર-ચાર મહિલાઓ ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે અને જિલ્લાનો વહીવટ સફળતા પૂર્વક સંભાળીને મહિલા શસક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...