સફાઈ કામગીરી:છોટાઉદેપુરનું કુસુમસાગર તળાવ 6 વર્ષ બાદ 18.50 લાખના ખર્ચે ચોખ્ખું કરાશે

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અંતે છોટાઉદેપુર નગરના કુસુમસાગર તળાવની સાફ સફાઈ હાથ ધરવામાં આવતાં પ્રજામાં આનંદ ફેલાયો છે. - Divya Bhaskar
અંતે છોટાઉદેપુર નગરના કુસુમસાગર તળાવની સાફ સફાઈ હાથ ધરવામાં આવતાં પ્રજામાં આનંદ ફેલાયો છે.
  • વર્ષોથી ગંદકીથી ખદબદી રહેલા તળાવની સફાઈ હાથ ધરાતાં નગરમાં આનંદ
  • તળાવ કિનારે કેમેરાથી પહેરો ગોઠવી ગંદકી ઠાલવનાર સામે દંડનીય કાર્યવાહી કરવા પ્રજાની માગ

છોટાઉદેપુર નગરમાં સ્ટેટ સમયનું કુસુમસાગર તળાવની રૂા. 18.50 લાખના ખર્ચે સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે. વર્ષોથી ગંદકીથી ખદબદી રહેલું તળાવની સફાઈ હાથ ધરતા નગરમાં એક આનંદની લહેર ફેલાઈ છે. તળાવની છેલ્લા 2 દિવસથી સફાઈ શરૂ થઈ ગઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે નગરની મધ્યમાં આવેલું અને નગરની શોભા ગણાતું કુસુમસાગર તળાવ વર્ષોથી નફ્ફટ વેલ તથા અતિશય ગંદકીના કારણે કુસુમસાગરનું સૌંદર્ય છીનવાઈ ગયુ છે. તળાવમાંથી અસહ્ય દુર્ગંધ આવતા આસપાસ રહેતા રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પરંતુ તળાવની સફાઈ હાથ ધરાતા હવે તે સમસ્યામાંથી છુટકારો મળશે. પાલિકા તંત્ર દ્વારા હાલ યુદ્ધના ધોરણે તળાવ સફાઈ અભિયાનની કામગીરી ચાલી રહી છે.

ઇજારદાર દ્વારા મજૂરો મારફતે નાવડીના સહારે ઉગેલા વેલા દૂર કરવામાં આવી રહ્યા છે. 6 વર્ષ પહેલા પાલિકા દ્વારા તળાવ સાફ કરાયું હતું. ત્યાર પછી હાલમાં સાફ થઈ રહ્યું છે. પરંતુ હવે પ્રજા એવું ઈચ્છી રહી છે કે તળાવમાં કાયમી સાફ સફાઇ થાય અને તેમાં કચરો, ગંદકી, ઠાલવવામાં આવે નહિ તેની પૂરતી કાળજી તંત્રે રાખવી જોઈએ કિનારા ઉપર કેમેરાથી પેહરો ગોઠવી તળાવમાં ગંદકી ઠાલવતા સામે દંડનીય કાર્યવાહી થાય તેમ પ્રજા માંગ કરી રહી છે

તળાવની સફાઇ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવશે
વર્ષોથી પ્રજાની સમસ્યાને ધ્યાને લઇ નગરમાં તળાવ સાફ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તળાવ સફાઈ અંગે પૂરતું ધ્યાન આપવામાં આવશે. નગરની પ્રજાની સમસ્યા તથા સગવડોને ધ્યાને લઇ તળાવની ફરતે સ્વચ્છતા જાળવવામાં આવશે. તળાવના બ્યુટિફિકેશનની કામગીરી અંગે આગામી સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવશે. - સંગ્રામસિંહ રાઠવા, પ્રમુખ, નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...