છોટા ઉદેપુર જિલ્લામાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વંટોળ ફૂકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. ગુજરાતમાં વરસાદની આગાહીને પગલે છોટા ઉદેપુર જિલ્લામાં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયા વાતાવરણ બાદ અચાનક ભારે વંટોળ ફૂકાયો હતો. વંટોળ ફુકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. લગભગ દશેક મિનિટ સુધી ભારે વંટોળને પગલે લોકોમાં માવઠાની દહેસત જોવા મળતી હતી.
કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ હતું અને આ કમોસમી વરસાદના એંધાણને પગલે કપાસ, તુવેર, દિવેલા, મગફળી, મકાઈના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
ખડુંપુરામાં મહિલા ઉપર ઝાડ પડ્યું
સંખેડા તાલુકાના ખંડુપુરા ગામે રહેતી મહિલા કૈલાસબેન અચાનક પવન આવતા ઘર આંગણે સુકવેલા કપડા ઉતારવા માટે ગઈ તે વખતે અચાનક જ ઝાડ પડ્યું હતું. મહિલા ઉપર ઝાડ પડતાં તેણે બચાવો બચાવોની બૂમો પાડતા આસપાસના સૌ દોડી આવ્યા હતા. ઝાડની નીચે ફસાયેલી મહિલાને ખૂબ જ કાળજીપૂર્વક બહાર કાઢવામાં આવી હતી. તાત્કાલિક તેને સારવાર અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલમાં લવાઇ હતી. જ્યાં મહિલાને પગે સાથળના ભાગે ફેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું. મહિલાને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરાઇ હતી. આ સિવાય સંખેડા તાલુકાના પીપળસટ ગામે બે ઘરના પતરાં પણ ઉડ્યા હતા. જો કે કોઈને કોઈ ઈજા થઈ નહોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.