લમ્પી વાયરસને અટકાવવાનો પ્રયાસ:છોટા ઉદેપુરમાં પશુઓની હેરફેર પર લગાવાયો પ્રતિબંધ; લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લેવાયો નિર્ણય

છોટા ઉદેપુર21 દિવસ પહેલા

રાજયના વિવિધ જિલ્લાઓમાં પશુઓમાં લમ્પી સ્કિન ડીઝીઝ નામનો રોગ ફેલાયેલો છે. આ વાયરસ એક પશુમાંથી બીજા પશુમાં ઝડપથી ફેલાય છે. તેમજ પશુઓના એકબીજાના સીધા સંપર્કથી તેમજ પશુઓના શરીર પર ચોંટેલી ઇતરડી, માખી, મચ્છર વગેરથી પણ ચેપ ફેલાતો હોય છે. ત્યારે રોગના નિયંત્રણ માટે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગુજરાત રાજય, ગાંધીનગરના ઠરાવથી તકેદારીના સૂચનો કરેલ છે. લમ્પી વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ સ્તુતિ ચારણે જાહેરનામું બહાર પાડી પશુઓની હેરફેર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

જાહેરનામામાં જણાવ્યાનુસાર છોટાઉદેપુર જિલ્લામાં અન્ય રાજયો, જિલ્લા, તાલુકામાંથી કે એક ગામથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. પશુઓનો વેપાર, પશુમેળા, પશુ પ્રદર્શન, પશુઓ સાથેની રમતો અને પશુઓને એકઠા કરવાના થતા આયોજનો ઉપર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. કોઇ રસ્તામાં કે જાહેર જગ્યાએ ચેપી રોગવાળા જાનવરો તથા રોગચાળામાં મરેલા જાનવરોના મૃતદેહ અથવા તેના કોઇ ભાગને ખુલ્લા/છુટા છોડી દેવાની અથવા તેમને લાવવા-લઇ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આવા રોગવાળા જાનવરો જે જગ્યાએ હોય તે જ જગ્યાનો ભોગવટો કરનારે અથવા રહેવાસીઓએ તે જગ્યા વગેરે સ્વચ્છ રાખવા તથા તેમાંથી રોગબીજનો નાશ કરવા અને એવા રોગચાળો અથવા જેમને એવો રોગ થયો છે તેમ દેખાતું હોય તેવા જાનવરોને એકમેકથી છુટા રાખવા તથા તે મુજબની વ્યવસ્થા કરવાની અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...