છોટાઉદેપુર નગરપાલિકા બોર્ડના 28 સભ્યોનું બોર્ડ છે. જેમાં 9 બહુજન સમાજ પાર્ટી, 8 કોંગ્રેસ, 4 ભાજપ, 5 અપક્ષ અને 2 બીટીપી તરીકે કુલ 28 સભ્યોનું બોર્ડ હતું. જેમાં બહુજન સમાજ પાર્ટીએ કોંગ્રેસના ટેકાથી સત્તા ઉપર ચાલી રહી હતી. હાલમાં ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ઝાકિરભાઈ દડી સત્તા સાંભળી રહ્યા છે. પરંતુ પાલિકાના તે સમયના પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ સામે 28માંથી 25 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે મુદ્દો હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે.
પરંતુ હાલના પાલિકા સભ્ય અને તે સમયના પ્રમુખ નરેનભાઈ જયસ્વાલ જણાવી રહ્યા છે કે અમારી બહુજન સમાજ પાર્ટીના સભ્યો વચ્ચે મતભેદના કારણે અમો છૂટા પડ્યા હતા. જે મતભેદ હવે દૂર થઈ ગયો છે અને ભાજપ તથા બિટીપી અને અપક્ષ સભ્યોનો અમોને પૂરતો સહયોગ મળી રહ્યો છે. અમો સૌ સાથે મળી છોટાઉદેપુર નગરના અટકી પડેલા વિકાસના કામો આગળ ધપાવીશું.
અત્રે ઉલ્લેખનીય છેકે વિખુટા પડી ગયેલા સભ્યો બુધવારે છોટાઉદેપુર નગરપાલિકા ખાતે ભેગા થયા હતા. હાલમાં અવિશ્વાસ પ્રસ્તાવનો મુદ્દો કોર્ટમાં ચાલી રહ્યો છે. જેનું જજમેન્ટ નજીકના સમયમાં આવવાની શક્યતાઓ છે. તેમ લાગી રહ્યું છે. જો ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે તો બીજેપી, બિટીપી, અને અપક્ષ સભ્યોના સહયોગ રહેશે તો હું ફ્લોર ટેસ્ટ પાસ કરીશ અને અમો ફરી છોટાઉદેપુર નગરની સેવા કરવાનો અમોને મોકો મળશે. તેમ નરેનભાઈ જયસ્વાલે જણાવ્યું હતું.
છોટાઉદેપુર પાલિકામાં બહુજન સમાજ પાર્ટી, અપક્ષ, ભાજપાના સભ્યો એક થઇ જતાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગ્યો છે. કોંગ્રેસને વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવશે તેમ રાજકીય ક્ષેત્રે ચર્ચાઈ રહ્યું છે. છોટાઉદેપુર નગરમાં જાહેરમાં આ રાજકીય ચહલપહલથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો હતો અને ખળભળાટ મચી ગયો છે. હાલમાં નગરમાં અંદરો અંદર મીટિંગના દોર શરૂ થઈ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.