છોટાઉદેપુર જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં નારી વંદન ઉત્સવ અંતર્ગત બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને સંબોધતા જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે, વર્ષ 2015ની 22મી, જાન્યુઆરીના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ હરિયાણાના પાનીપત શહેરથી બેટી બચાઓ બેટી પઢાઓ કાર્યક્રમની શરૂઆત કરી હતી.
એમ કહી તેમણે જણાવ્યું હતું કે, દીકરીઓ શિક્ષણ મેળવી આર્થિક રીતે પગભર થાય અને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત થાય તેમજ સમાજમાં પ્રવર્તતા સ્ત્રી-પુરુષના જાતિ પ્રમાણમાં વધારો થાય એવો આશય હોવાનું ઉમેરી તેમણે સરકાર દ્વારા સંચાલિત અનેકવિધ યોજનાઓની માહિતી આપી હતી.
વધુમાં તેમણે કસ્તુરબા પોષણ સહાય યોજના, દીકરી યોજના અંતર્ગત સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે તેમજ આ ઉપરાંત મા યોજના અને મા વાત્સલ્ય યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આવરી લઇ કુંટુંબના દરેક સભ્યને રૂપિયા 5 લાખનું આરોગ્ય વીમા કવચ પુરુ પાડવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. એમ.આર.ચૌધરીએ જિલ્લામાં પ્રવર્તી રહેલા સ્ત્રી-પુરૂષના જાતિ પ્રમાણ અંગે વિગતે છણાવટ કરી તેમણે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એકટ અને તેમાં કરવામાં આવેલી જોગવાઇઓ અંગે વિગતે વાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.