બેંક હડતાળ:છોટાઉદેપુરમાં બેંકોની હડતાળ, કરોડોનું ટર્ન ઓવર અટકી ગયું

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 40 કિમી દૂરથી આવતા ગ્રાહકો બેંકને તાળાં જોઈ અટવાયાં

છોટાઉદેપુર સહિત સમગ્ર દેશમાં બેંકોના ખાનગીકરણના વિરોધમાં બેન્કના કર્મચારીઓ દ્વારા બે દિવસ હડતાળ પાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંગે તમામ રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહી હતી. છોટાઉદેપુર જિલ્લામાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા જેવી નેશનલાઈઝ બેન્ક બંધ રહેતા કરોડો રૂપિયાનું ટર્ન ઓવર અને ક્લિયરન્સ અટકી પડ્યું હતું. જેના કારણે નાનાથી મોટા વેપારીઓ લેણ દેણ બાબતે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. અને અટવાઈ પડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારના લોકોને બેન્કની હડતાળ બાબતે કોઈ ખ્યાલ ન હોય 40 કિલોમીટર દૂર દૂરથી આવતા ગ્રાહકોને બેંકને તાળા જોઈ પરત ફરવાનો વારો આવ્યો હતો અને આખો દિવસ ફાજલ ગયો હતો. મહત્વના કામ અર્થે આવતી ગ્રામીણ પ્રજા બેંકની હડતાળના પગલે અટવાઈ પડી હતી.

નસવાડીમાં બેંકો બહાર બંધની કોઈ નોટિસ નહીં મૂકાતાં ગ્રાહકોમાં રોષ
નસવાડી તાલુકો આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. નસવાડી તાલુકાના હજારો બેન્ક ગ્રાહકો નસવાડીમાં આવેલ બેન્ક ઓફ બરોડા, એસ બી આઈ, સેન્ટ્રલ બેન્ક સાથે જોડાયેલા છે. ગુરુવાર અને શુક્રવાર આમ બે દિવસ બેંકોનો સ્ટાફ હડતાલ પર ગયો છે. જેનું કારણ બેંકોના ખાનગી કરણના વિરોધ ને લઈ બેન્ક કર્મચારી બે દિવસ બેંકો બંધ રાખવાનું નક્કી કર્યું છે.

જેમાં નસવાડીની બેંકો બહાર બેન્ક બે દિવસ બંધ રહેશેની કોઈ નોટીસ કે સૂચન લખ્યું ન હતું. જેને લઈ સવારથી ગામડામાંથી બેન્ક ગ્રાહકો આવ્યા હતા. જે બેન્ક ગ્રાહકો કલાકો સુંઘી બેસી રહ્યા હતા. જેને લઈ બેન્ક ગ્રાહકોમા ભારે રોષ ઉઠ્યો છે. બીજી બાજુ ટાઉનના વેપારીઓને પણ આ બાબતે જાણ કરાઈ ન હોતી. વેપારીઓ રોકડ તેમજ અન્ય નાણાંકીય વહેવારને લઈ અટવાયા હતા. બેંકોના ખાનગીકરણને લઈ બેંકોના કર્મચારીઓ હડતાલ પાડે છે. પરંતુ બેન્ક ગ્રાહકોનો શુ વાંક? હાલ તો બે દિવસ બેન્કો બંધ હોવાથી ગ્રાહકો અટવાઈ ગયા છે.

સંખેડામાં બેંકો બંધ રહેતાં લાખ્ખો રૂપિયાનું ક્લીયરિંગ અટવાયું
સરકારી બેંકો દ્વારા ખાનગીકરણનો વિરોધ કરવા માટે બે દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ગુરુવાર અને શુક્રવાર આ બે દિવસ સહકારી બેંકના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરતાં બેંકોના શટરો બંધ રહ્યા હતા. સંખેડા ખાતે સ્ટેટ બેંક, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક સરકારી બેંકોની શાખાઓ છે. હડતાળના એલાનને પગલે આ ત્રણેય બેંકો બંધ રહી હતી. જોકે બે સહકારી બેંકો અને એક ખાનગી બેંક ચાલુ રહી હતી.

સરકારી બેન્કોની હડતાળને પગલે લાખો રૂપિયાનું ક્લિયરિંગ આજે અટવાઈ ગયું હતું. જોકે આવી જ સ્થિતિ શુક્રવારે પણ સર્જાશે. બેંકોની હડતાલ બાબતે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને પૂરતી માહિતી ન હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા અનેક ગ્રાહકોને બેંકોના કામ પતાવ્યા વિના જ પરત જવાનો વારો આવ્યો હતો. કેટલીક સરકારી બેંકોના એટીએમ પણ બંધ રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...