ફેક્ટરી માલિકોમાં ભારે રોષ:છોટાઉદેપુર ખાતે ડોલોમાઈટ ફેક્ટરીના માલિક ઉપર હુમલો

છોટાઉદેપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘટનાને લઇ ડોલોમાઈટ ઉદ્યોગના ફેક્ટરી માલિકોમાં ભારે રોષ
  • હુમલાખોર 3 ઇસમો દ્વારા જાનથી મારી નાખવાની ધમકી

છોટાઉદેપુર વનાર જામલા રોડ ઉપરની ડોલોમાઈટ પથ્થરની ફેક્ટરી તિરૂપતિ મિનરલના માલિક કૌશિકભાઇ શાહ સામે અજાણ્યા ઈસમો ગાળો બોલી જતાં રહ્યા હતા. બાદ ગડદાપાટુનો માર મારી જાનથી મારવાની ધમકી આપી હતી.

છોટાઉદેપુર તાલુકાના વનાર જામલા રોડ ઉપર આવેલ ડોલોમાઈટ પથ્થરની ફેક્ટરી ચલાવતા કૌશિકભાઇ શાહ તથા મેનેજર ગુલાબભાઇ રાઠવા ફેક્ટરી ઉપર હાજર હતા અને મજૂરો કામ કરતા હતા. 25મીએ સાંજે 6:30 વાગ્યાના સુમારે ફેક્ટરી ઉપર ઓફિસની બહાર એક અજાણ્યો ઈસમ આવ્યો હતો. જેને મેનેજરે તમે અહીં કેમ આવ્યા છો પૂછતાં તેણે જણાવ્યું હતું કે હું પથ્થરો આપવા આવ્યો છું. મેનેજરે તમે કાલે આવજો આજે અમારા શેઠને ઘરે જવાનું છે.તેમ કહ્યું હતું. જ્યારે ફેક્ટરી માલિક ઓફિસની બહાર નીકળતા આ અજાણ્યા ઈસમે તમે કયાં મોટા શેઠ છો, તમને મળવાનો સમય નથી તેમ કહી ગમેતેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેને ગાળો બોલવાની ના પાડતા તે પોતાની મોટર સાયકલ લઈને ગાળો બોલી જતો રહ્યો હતો.

ફેકટરી માલિકે મેનેજરને આવેલ ઈસમ કોણ હતો એ અંગે પૂછતાં તે પ્રવીણ રાઠવા રે.વનાર તા.જિ છોટાઉદેપુર હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ થોડા સમય પછી પ્રવીણ રાઠવા બીજા બે માણસો સાથે અલગ અલગ મોટરસાઇકલ લઈને ફેક્ટરી ઉપર આવ્યાે હતાે. તેઓ માલિકને ગાળો બોલી ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જેથી બૂમાબૂમ કરતા મેનેજર ગુલાબભાઈએ વચ્ચે પડીને છોડાવ્યા હતા. ત્રણે ઈસમોએ ત્યાંથી જતાં જતાં કાલથી આ ફેક્ટરી ઉપર જોવા મળીશ તો તને મારી નાખીશું અને તારી ફેક્ટરી બંધ કરાવી દઈશું તેમ કહ્યું હતું. અમો આ રોડના રાજા છીએ તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી જતા રહ્યા હતા.

પ્રવીણ રાઠવા સાથે આવેલ બીજા બે ઈસમો પૈકી એક જેઓને ફેક્ટરીના મેનેજર ઓળખતા હતા. સુરજી રાઠવા તથા અન્ય એક અજાણ્યો ઈસમ ત્રણેય રહે,વનાર તા. જિ. છોટાઉદેપુરના હોવાનું જાણવા મળતા છોટાઉદેપુર પોલીસ મથકે ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ બનેલી ઘટનાને પગલે ડોલોમાઈટ ઉદ્યોગના તમામ ફેકટરી માલિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...