છોટાઉદપુર જિલ્લાના વડામથક છોટાઉદેપુર ખાતે આવેલા જિલ્લા સેવાસદનના સંકલન સમિતિ હોલમાં રાજયના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા તબિબી શિક્ષણ રાજયમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારીમંત્રી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન રૂા. 900 લાખના 596 વિકાસકામોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા પ્રભારીમંત્રીએ જણાવ્યું હતું કે, સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અદના માનવી સુધી પહોંચે એ માટે સૌએ સાથે મળીને કામ કરવું પડશે.
વરસાદી પાણીના સંગ્રહ માટે નવા તળાવો બનાવવાના કે તળાવો ઉંડા કરવાની કામગીરી સમયસર પૂર્ણ થાય તથા ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના સહિતની યોજનાઓનો લાભ લાભાર્થીઓને નિયમિત મળતો રહે એ સુનિશ્ચિત કરવા પણ તેમણે સૂચના આપી હતી.
બેઠક દરમિયાન 15 ટકા વિવેકાધિન જોગવાઇ, ટી.એ.એસ.પી જોગવાઇ, 50 ટકા પ્રોત્સાહક જોગવાઇ અને ખાસ અંગભૂત જોગવાઇ હેઠળ સંખેડા તાલુકા માટે રૂા. 150 લાખના 69 કામો, બોડેલી તાલુકામાં રૂા. 150 લાખના 83 કામો, નસવાડી તાલુકા માટે રૂા. 150 લાખના 87 કામો, જેતપુર પાવી તાલુકા માટે રૂા. રૂા. 150 લાખના 115 કામો, કવાંટ તાલુકા માટે રૂા. 150 કરોડના 107 કામો અને છોટાઉદેપુર તાલુકા માટે રૂા. 150 લાખના 135 કામો મળી છ તાલુકાઓ માટે કરવામાં આવેલા રૂા. 900 લાખના 596 કામોના નવા આયોજનને મંજૂર કરવામાંઆવ્યું હતું. વધુમાં છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા રૂા. 25 લાખના આયોજનને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વર્ષ 2021-22ના મંજૂર આયોજન અંતર્ગત રિવાઇઝ/રદ/ફેરફાર માટેના રૂા. 106.90 લાખના 18 વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.