છોટાઉદેપુરનગરની મધ્યમાં આવેલ વિશાળ કુસુમ સાગર તળાવ વચ્ચે ભગવાન મહાદેવની મૂર્તિ મૂકવા અંગે ચીફ ઓફિસરને આવેદન અપાયુ હતું. છોટાઉદેપુર નગરની મધ્યમાં આવેલ વિશાળ કુસુમ સાગર તળાવ આવેલું છે. જે સ્ટેટ સમયથી રાજવી પરિવાર દ્વારા બનાવવામાં આવેલું છે. અને નગરની શોભા ગણવામાં આવે છે. જ્યાં ભગવાન શિવની પ્રતિમા મુકવા ભક્તોની પ્રચંડ માગ ઉઠી છે. જે અંગે નગર પાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ગત રોજથી શરૂ થયેલ હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસમાં હિંદુઓના ઈષ્ટ દેવ એવા શંકર ભગવાનની 25 ફુટ ઊંચી પ્રતિમા મુકવાનો સંકલ્પ નગર પાલિકાના વોર્ડ નંબર 6ના મહિલા સભ્ય રાજેશ્રીબેન સચિન કુમાર તડવીએ કર્યો હતો. જેથી નગરની મધ્યમાંથી હજારોની સંખ્યામાં પસાર થતા હિન્દુઓ ઈષ્ટદેવ ભોળા નાથના દર્શન કરી ધન્ય બને.
આ બાબતે રાજેશ્રીબેને ભાજપા યુવા મોરચા તથા મહિલા મોરચાના તમામ ઘટકોના પદાધિકારીઓ અને કાર્યકરોને વાત કરતા સૌએ આ પુણ્ય કાર્યમાં તમામ પ્રકારની સહાય કરવાની બાહેધરી આપતા શનિવારે નગરનો મોટો હિન્દુ વર્ગ પાલિકા કચેરીએ જઈ ઓફિસરને સેકડો હિન્દુઓની સહી કરી આવેદન આપી જણાવ્યું હતું કે કુસુમ સાગર તળાવની વચ્ચે મહાદેવની મૂર્તિ સ્થાપિત કરવા માંગીએ છીએ. જેથી પાલિકા તે અંગેની અમોને પરવાનગી આપે.
સદર પ્રતિમા મુકવા માટે અમો લોક ફાળો તેમજ સ્વખર્ચે કરીશું. જેથી અમોને મહાદેવની મૂર્તિ મુકવા વહેલી તકે પરવાનગી આપશો, તેવી માંગ કરી હતી. સરકાર દ્વારા કરોડો રૂપિયા નગરના વિકાસ અર્થે ફાળવવામાં આવે છે. જેમાં ધાર્મિક કાર્યમાં પણ પ્રજાને સહાયરૂપ થાય તેવી પ્રજાની માગ છે. ચીફ ઓફિસર અતુલ સિંહાએ પણ સારો પ્રતિસાદ આપી આવા સારા કાર્ય માટે બને તેટલી ઝડપ કરી મહાદેવની મૂર્તિનું કાર્ય આગળ વધે તેવા પ્રયત્ન કરવાની બાહેધરી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.