ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ખટરાગ:હાંડોદ સબ યાર્ડ ખાતે ખેડૂતો સહિત એપીએમસીના ચેરમેન આમરણાંત ઉપવાસ પર ઉતર્યા, ખેડૂતોએ એક અઠવાડિયામાં પેમેન્ટ કરવાની કરી માંગ

છોટા ઉદેપુર3 મહિનો પહેલા

છોટા ઉદેપુરના હાંડોદ સબ યાર્ડ ખાતે છેલ્લા ત્રણેક દિવસથી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે કેટલીક માંગણીઓને લઇને ખટરાગ ચાલી રહ્યો છે. જેને લઈને એપીએમસીના ચેરમેને ખેડૂતો તેમજ વેપારીઓ સાથે મિટિંગ કરી હતી. મિટિંગમાં કેટલાક મુદ્દે અસહમતી થતા ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે.

હાંડોદ સબ યાર્ડ ખાતે આજે એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ મહારાઉલે ખેડૂતો અને વેપારીઓ સાથે મિટિંગ કરી હતી. આ મિટિંગમાં ખેડૂતોના લગભગ બધા જ પ્રશ્નો મુદ્દે ચર્ચા થઈ છે. પરંતુ ખેડૂતોને તેઓના માલનું પેમેન્ટ પંદર દિવસના બદલે એક અઠવાડિયામાં કરવાની માંગણી વેપારીઓએ સ્વીકારી નથી. ખેડૂતોએ એક અઠવાડિયામાં પેમેન્ટ કરવાની માંગણીના સંદર્ભમાં વેપારીઓએ 12 દિવસની તૈયારી બતાવી હતી. પરંતુ ખેડૂતો આ મુદ્દે અસહમતી જતાવી હતી અને એક અઠવાડિયામાં પેમેંટ કરવાની માંગણી ઉપર અડગ રહ્યા હતા. આજે હાંડોદ સબ યાર્ડ ખાતે એપીએમસીના ચેરમેન હેમરાજસિંહ મહારાઉલ સહિત ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતરી ગયા છે.

છેલ્લા ત્રણ દિવસથી ચાલતી મડાગાંઠ આજે ઉપવાસ આંદોલનમાં પરિવર્તિત થઈ જતાં મામલો વધુ ગરમાયો છે. આગામી દિવસોમાં મામલો વધુ ઉગ્ર બને તેવા સંજોગો સર્જાયા છે.

અન્ય સમાચારો પણ છે...