તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:છોટાઉદેપુર જિલ્લામાં બેંક ખાતા ધારકોને પાસબુક નહિ અપાતા રોષ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય મોહનસિંહ રાઠવા દ્વારા વિરોધ વ્યક્ત કરાયો
  • એક માસમાં સુવિધા પુરી નહીં કરાય તો આંદોલનની ચીમકી અપાઈ

છોટાઉદેપુર જિલ્લામાં આવેલ રાષ્ટ્રીયકૃત બેંકોમાં ખાતા ધરાવતા ગ્રાહકોને લેવડ દેવડની એન્ટ્રી માટે પાસબુકો આપવામાં આવતી નથી. જે અંગે જિલ્લાની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે વિરોધ વ્યક્ત કરતા છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ મીડિયાને લેખિત પત્ર આપી બેન્ક ખાતા ધરકોની સમસ્યા અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો.

છોટાઉદેપુર ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ લેખિતમાં જણાવ્યું છે કે ગુજરાતના પાટનગર ગાંધીનગરની રાષ્ટ્રીયકૃત બેંકોમાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બેંકોમાં કરેલ લેવડ દેવડની પાસબુક મળતી નથી. રાજ્ય સરકાર ગાંધીનગરમાં છે છતાં દિવા તળે અંધારું છે. રાજ્યના દરેક જિલ્લામાં શુ પરિસ્થિતિ હશે તેની કલ્પના કરવી રહી.

છોટાઉદેપુર જેતપુરપાવીમાં આવેલ બેન્ક ઓફ બરોડાની શાખામાં છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી નવીન પાસબુક આપવામાં આવતી નથી. રિજિયોનલ મેનેજરે બેંકના મકાનના સ્થળાંતરના ઉદ્ઘાટન પ્રસંગે રૂબરૂમાં પાસબુક તેમજ ડેટા એન્ટ્રી મશીનની માંગણી કરેલ હતી. તેમજ આ બાબતે પત્રો પણ લખવા છતાં બેન્ક ઓફ બરોડાના સત્તાધીશોનું પેટનું પાણી હલતું નથી.

ગરીબ આદિવાસી પ્રજાના ખાતા બેંકમાં છે. તેમને પણ પાસબુકો અપાતી નથી. તેમના નાણાં કેટલા જમા થયા છે કેટલા નાણા ઉપાડેલા છે. તેની કોઈ જાણકારી મળતી નથી. અભણ માણસને પોતાના બેંકના ખાતામાં કેવો નાણાકીય વ્યવહાર થાય તે જાણવા કે જોવા મળતું નથી. તેવી ફરિયાદ છોટાઉદેપુર ધારાસભ્ય કરી રહ્યા છે.

વધુમાં જણાવ્યું હતું કે બેન્કમાંથી સ્ટેટમેન્ટ માટે ફોર્મ ભરાવવામાં આવે છે અને બીજે દિવસે માંડમાંડ અપૂરતી માહિતી આપવામાં આવે છે. અને ગરીબ પ્રજાને રંજાડે છે. જેતપુરપાવી બેન્ક ઓફ બરોડની શાખા તેમજ સ્ટેટબેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં પણ આજ રીતનું વલણ અખત્યાર કરવામાં આવે છે.

આદિવાસીઓને તાત્કાલિક બેંકની પાસબુકો આપી અને તેને પ્રિન્ટિંગ મશીનથી પ્રિન્ટ કરી આપવા માટે તાત્કાલિક વ્યવસ્થા ગોઠવવા અમારી બેન્ક અધિકારીઓ સમક્ષ માંગ છે. આ બાબતે જેતપુર પાવી તાલુકાના ખેડૂતો નાનામોટા વેપારીઓ, પેન્શન મેળવતી વિધવાઓ, સરકારી સહાય મેળવતા અધિકારીઓને આ સુવિધા એક માસમાં પુરી કરવામાં નહી આવે તો બેન્ક સામે આંદોલન થશે. તેમ ધારાસભ્ય મોહનસિંહભાઈ રાઠવાએ લેખિતમાં જણાવ્યું હતું.

સિનિયર સિટીઝન્સ સાથે કરાતું અયોગ્ય વર્તન
છોટાઉદેપુરમાં આવેલ બેંકોમાં સિનિયર સીટીઝન ખાતા ધારકો સાથે અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદો પણ ઘણા ગ્રાહકો કરી રહ્યા છે. બેન્ક ખાતા ધારકો જણાવી રહ્યા છે કે અમે પાસબુક મેળવવા અર્થે બેન્કમાં જતા હોઈએ છીએ. અમે બેંકમાં ખાતું ધરાવીએ છીએ. છતાં પણ બેન્ક કર્મચારીઓ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવે છે. અને વડીલ વ્યક્તિને અપમાનિત કરવામા આવતા હોવાની ફરિયાદ ગ્રાહકો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...