તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષ:છોટાઉદેપુર જિલ્લામાં વારંવાર જાતિના દાખલા સંદર્ભે પુરાવા માગતા આદિવાસી સમાજમાં રોષ

છોટાઉદેપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંદાજિત 125 જેટલા નવા ભરતી થયેલા આદિવાસી યુવાનોને નોટિસો અપાઈ છે
  • છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસીઓના જાતિના દાખલા મુદ્દે બેઠક યોજવામાં આવી

છોટાઉદેપુર જિલ્લામાં નવ નિયુક્ત ભરતી થયેલા આદિવાસી યુવાનોને કમિશનર આદિજાતિ વિકાસની કચેરી ગાંધીનગર દ્વારા અનુસૂચિત જનજાતિના પ્રમાણ પત્રની ખરાઈ અર્થે રાજ્ય વિશ્લેષણ સમિતિ સમક્ષ રૂબરૂ હાજર રહેવા જિલ્લામાં જુદા જુદા વિભાગમાં અંદાજિત 125 જેટલા નવા ભરતી થયેલા આદિવાસી યુવાનોને નોટિસો આપવામાં આવી છે. જે બાબતે આદિવાસી યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

છોટાઉદેપુરમાં આવેલ નારાયણ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે રવિવારે આદિવાસી સમાજના આગેવાન નેતાઓની હાજરીમાં 150 જેટલા નવ યુવાન જુદા જુદા એલઆરડી, શિક્ષણ, નર્સ, કોર્પોરેશન, આરોગ્ય જેવા સરકારી ખાતામાં ભરતી નોકરી મેળવેલા યુવાન યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં જાતિના દાખલા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી.

છોટાઉદેપુર આદિવાસી વિસ્તારમાં નવા યુવાન-યુવતીઓ જેઓને સરકારી નોકરી મળી છે અને ભરતી કરવામાં આવી છે. જેઓના નોકરીના ઓડર મળ્યા પછી જાતિના દાખલાની ચકાસણી અર્થે અનુસૂચિત જાતિના પ્રમાણ પત્રની ખરાઈ કરવા વિશ્લેષણ સમિતિ સમક્ષ પુરાવાઓ સાથે હાજર રહેવા નોટિસો આપવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી સમાજના લોકો માટે આ જાતિના દાખલાનો પ્રશ્ન જૂનો છે. જેમાં 1950 પહેલાના પુરાવાઓ માંગવામાં આવતા ક્યાંથી લાવવા એ સમાજમાં પ્રશ્ન છે. વારંવાર આદિવાસી સમાજના લોકો પાસે આ રીતે જાતિના દાખલા સંદર્ભે પુરાવા માગતા આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. જે અંગે મુખ્યમંત્રી આદિજાતિ વિકાસ મંત્રીને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે તેમ મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો. બેઠકમાં રાજ્યસભા સાંસદ નારણભાઇ રાઠવા, માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, ઉમેશભાઈ રાઠવા, નગરપાલિકા કારોબારી અધ્યક્ષ સંગ્રામસિંહ રાઠવા, દિનેશભાઇ રાઠવા, વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

1950 પહેલાની કોઈ માહિતી મળે નહીં
સરકારની વિશ્લેણ સમિતિ પ્રમાણ પત્રની ખરાઈ અર્થે 1950 પહેલાના દાખલા માગવામાં આવી રહ્યા છે. ત્રણ પેઢી બદલાઈ ગઈ તે વખતેના લોકો ભણેલા પણ ન હતા. 1961માં ગુજરાતની સ્થાપના થઇ તે પહેલાના પુરાવા ક્યાંથી લાવવા. આ એકજાતની હેરાનગતિ કરવાનો પ્રયત્ન છે. આ બાબતે અમોએ સરકારમાં લેખિતમાં આપ્યું છે કે 1950 પહેલાની કોઈ માહિતી મળે નહીં. આ આદિવાસી સમાજના લોકોને હેરાનગતિ કરવાનો પ્રયત્ન છે. > નારણભાઇ રાઠવા, રાજ્યસભા સાંસદ

અન્ય સમાચારો પણ છે...