તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:દાહોદની નિયામક કચેરીમાં ફરજ બજાવતો અધિકારી 1.50 લાખની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો, વેપારીની નોટિસ પતાવવા લાંચ માગી હતી

છોટાઉદેપુર10 મહિનો પહેલા
  • કૉપી લિંક
યોગેશ જેઠાભાઇ અમીનની ફાઇલ તસવીર - Divya Bhaskar
યોગેશ જેઠાભાઇ અમીનની ફાઇલ તસવીર

છોટાઉદેપુરમાં આવેલી અને હાલમાં દાહોદમાં આવેલી નાયબ ખેતી નિયામકની કચેરીમાં ફરજ બજાવતા અધિકારીને છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં જંતુનાશક દવાઓ, રાયાયણિક ખાતર અને બિયારણની દુકાન ધરાવતા વેપારી પાસેથી રૂપિયા 1.50 લાખની લાંચ લેતા એ.સી.બી.એ રંગેહાથ ઝડપી પાડ્યા છે. વડોદરાના વાઘોડિયા રોડ ઉપર રહેતો અધિકારી લાંચની રકમ લેવા માટે વેપારીની દુકાનમાં ગયો હતો.

જંતુનાશક દવાના વેપારીને નોટિસ ફટકારી હતી
વડોદરા ગ્રામ્ય લાંચ રૂશ્વત વિરોધી શાખાના પી.આઇ. જે.આર. ગામીતે જણાવ્યું હતું કે, છોટાઉદેપુર ખાતે આવેલી નાયબ ખેતી નિયામક વિસ્તરણ કચેરીના વર્ગ-2ના અધિકારી યોગેશ જેઠાભાઇ અમીન હાલ દાહોદની ખેતી નિયામકની કચેરી (જમીન ચકાસણી પ્રયોગ શાળા)માં ફરજ બજાવે છે. તેઓએ નસવાડીમાં જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતર અને બિયારણની દુકાન ધરાવતા વેપારીને જંતુનાશક દવાઓ વેચવા બાબતે નોટિસ આપી હતી.

નોટિસની પતાવટ માટે લાંચ માગી હતી
વડોદરાના વાઘોડિયા-ડભોઇ રીંગ રોડ ઉપર આવેલા 27, તિર્થક ટેનામેન્ટના રહેવાસી અને હાલ છોટાઉદેપુરમાં ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા યોગેશ અમીને નોટિસ માટે પતાવટ કરવા માટે જંતુનાશક દવાના વેપારી પાસે રૂપિયા 2.50 લાખની માંગણી કરી હતી. જો કે, રકઝકને અંતે રૂપિયા 1.50 લાખ નક્કી થયા હતા. વેપારી રૂપિયા 1.50 લાખ પણ અધિકારીને આપવા માંગતો ન હતો. આથી તેઓએ વડોદરા ગ્રામ્ય લાંચ રૂશ્વત વિરોધી શાખામાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે એ.સી.બી.એ અધિકારીને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવા માટે છટકાનું આયોજન કર્યું હતું.

એસીબીએ છટકું ગોઠવી દબોચી લીધો
એ.સી.બી. દ્વારા ગોઠવવામાં આવેલા છટકા પ્રમાણે વેપારીએ અધિકારી યોગેશ અમીનને લાંચ લેવા માટે પોતાની નસવાડી બજારમાં આવેલી દુકાનમાં બોલાવ્યો હતો. અધિકારી લાંચ લેવા જાય તે પૂર્વે એ.સી.બી. દ્વારા દુકાનમાં અને દુકાનની આસપાસ જાળ બિછાવી દેવામાં આવી હતી. અધિકારી યોગેશ અમીને વેપારી પાસેથી રૂપિયા 1.50 લાખ લાંચની રકમ લેતાની સાથે જ વોચમાં ગોઠવાયેલી એ.સી.બી.એ અધિકારીને દબોચી લીધો હતો અને તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

અધિકારીની સંપત્તિની તપાસ કરવામાં આવશે
મદદનીશ નિયામક જી.વી. પઢેરીયાના માર્ગદર્શન હેઠળ ગોઠવાયેલા આ છટકા અંગે પી.આઇ. જે.આર. ગામીતે જણાવ્યું હતું કે, ખેતીવાડી અધિકારી યોગેશ અમીનની મિલકતોની પણ ચકાસણી કરવામાં આવશે. મિલકતોની ચસાણીમાં આવક કરતા વધુ સંપત્તિ બહાર આવશે, તો તે અંગેની પણ વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...