તીર્થક્ષેત્ર ચાંદોદ ગ્રામ પંચાયતની માલિકીના લોખંડ ભંગારની થયેલી ચોરી અંગે સરપંચ દ્વારા ચાંદોદ પોલીસ સ્ટેશનમાં અપાયેલ ફરિયાદને પગલે ચાંદોદ પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીમાં સંડોવાયેલા પંચાયતમાં જ ફરજ બજાવતા કર્મચારીની ધરપકડ કરી છે જ્યારે આ ચોરીમાં અન્ય કોઈ સંકળાયેલા છે કે કેમ તેવા તમામ મુદ્દાઓને ધ્યાને લઈ ચાંદોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ચાંદોદ પંચાયત ઓફિસની આસપાસની ખુલ્લી જગ્યામાં ઘણા સમયથી લોખંડ સ્ક્રેપનો સામાન પડી રહ્યો હતો.
થોડા દિવસો બાદ આ સામાન ગાયબ થતાં ખાતરી બાદ મહિલા સરપંચ દ્વારા તાબડતોબ તમામ સભ્યોની મીટીંગ બોલાવવામાં આવી હતી, તેમાં સદર ભંગારના સામાનની ચોરી થઇ હોવાનું માલુમ પડતાં આ બાબતે તેની તપાસ કરવા ફરિયાદ કરવાનું નક્કી થયું હતું. પરંતુ કોઈ ગણતરી-સમીકરણ કે અન્ય કારણોસર એક અઠવાડિયા જેટલો સમય વિતવા છતાં ફરિયાદ થઈ ન હતી. જેથી જાગૃત નાગરિકો સહિત નગરમાં ચણભણાટ સાથે તર્ક-વિતર્કોએ સ્થાન લીધું હતું.
ત્યારે પંચાયત પરિવારમાં અંદરો અંદરના ગમા-અણગમાની પરિસ્થિતિ વચ્ચે મહિલા સરપંચ દિપ્તીબેન સોની દ્વારા લોખંડ ભંગારની ચોરી બાબતે એકાએક ગણતરીના સમયમાં જ ચાંદોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સમાધાનની ભૂમિકા ભજવનારાઓને આંચકો લાગ્યો હતો. જોકે ફરિયાદના પગલે ચાંદોદ પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા તપાસ કાર્યવાહી તેજ કરતા ચાંદોદ ગ્રામ પંચાયતના જ કર્મચારી જયેશ માછીની આરોપી તરીકે ધરપકડ કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.