ભારત સરકારના હવામાન વિભાગના સૂચનને પગલે ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત ગરમીના પ્રક્રોપ હીટવેવને અન્ય કુદરતી આફતોની સમાન ગંભીરતાથી લેવા તેમજ તમામ જિલ્લાઓને પોતાના જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ મુજબનો એક્શન પ્લાન બનાવવા જીલ્લાના વડાઓને અનુરોધ કરવામાં આવ્યો છે. ગઈકાલે તમામ કલેકટર, ડીડીઓ, મ્યુનિસિપલ કમિશ્નરો સાથે ગાંધીનગરથી વિડોયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી. જેમાં હવામાન ખાતા દ્વારા પાછલા 40 વર્ષોના રેકોર્ડનો ફોરકાસ્ટ મેટ્રિકસના આંકડાઓનું પૃથકરણ કરી પ્રેજન્ટેશન આપવામાં આવ્યું હતું.
અત્રે થયેલી બેઠકમાં આરોગ્ય વિભાગ, મહિલા અને બળ વિકાસ વિભાગ, ઊર્જા વિભાગ, સીંચાઈ વિભાગ, શિક્ષણ વિભાગ, કૃષિ અને પશુપાલન વિભાગ, વન વિભાગ વગેરે વિભાગોના અધિકારીઓ પણ જોડાયા હતા. ગુજરાત સ્ટેટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેલ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં થયેલી ચર્ચા મુજબ સામાન્ય રીતે ગુજરાતમાં માર્ચમાં 34.6 એપ્રિલમાં 37.2 અને મેમાં 38 ડીગ્રી જેટલી સરેરાશ તાપમાન રહેતું હોય છે.
તેમજ ગ્રીન એલર્ટમાં 41 ડીગ્રી કરતા ઓછુ, યેલ્લો એલર્ટમાં 41.1થી 43, ઓરેન્જમાં 43.1થી 44.9 અને રેડ એલર્ટમાં 44 ડીગ્રી કે તેનાથી ઉપર તાપમાન જાય તો આ રીતના એલર્ટની જાહેરાત કરી તે મુજબ પ્રોટોકોલ જાળવવામાં આવે છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ તેયારી માટે કંટ્રોલરૂમ 27x7 કલાક શરુ કરવામાં આવ્યો છે. તેમજ આ બાબતે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેલ દ્વારા તમામ જિલ્લાઓના વડાના નેતૃત્વમાં એક્શન પ્લાન બનાવવામાં આવે અને તેની ચુસ્ત અમલવારી થાય તેની કાળજી લેવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.