છોટાઉદેપુરમાં ભંગોરીયાનો હાટ ભરાયો:હોળી પૂર્વે રામ ઢોલ - ત્રાંસા અને પીહા સાથે આદિવાસીઓની નૃત્ય મંડળીઓ ઝૂમી ઉઠી

છોટાઉદેપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

છોટાઉદેપુર નગર ખાતે મહિલા પોલીસ સ્ટેશન પાસે શનિવારે જિલ્લાનો સૌથી મોટો ભંગોરીયાનો હાટ ભરાયો હતો. જેમાં અંદાજીત 7 હજારથી વધુ લોકો ઉમટી પડ્યા હતા. રામઢોલ, પાવા, કરતાલો, ત્રાંસા સાથે એક જ જેવા પહેરવેશમાં જુદા જુદા રંગના વસ્ત્રો અને અલંકારો પહેરી નૃત્ય મંડળીઓ ઉમટી પડી હતી. જેમાં છોટાઉદેપુરના ચીલીયાવાટ, તણશ્યા, ફલિયામોહ, ઝડુળી અને આત્રોલીની ટુકડીઓ આવી હતી અને નાચગાન કરી ભંગોરીયાનો આનંદ માણ્યો હતો. આમ આજે પણ આદિવાસી પ્રજાએ આ અમૂલ્ય વારસો જાળવી રાખ્યો છે.

છોટાઉદેપુર 90 ટકા% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે. જિલ્લામાં દિવાળી કરતા પણ વધારે મહત્વ હોળી પર્વનું છે. હોળીનો તહેવાર હોય તેના એક અઠવાડિયા પહેલા છોટાઉદેપુર આસપાસના વિસ્તારના ગામોમાં અઠવાડિક હાટ બજાર ભરાય છે જેને ભંગોરીયાનો હાટ કહેવાય છે. શનિવારે છોટાઉદેપુર ખાતે યોજાયેલ આ હાટ બજારમાં તાલુકાના અલગ અલગ ગામની નૃત્ય મંડળીઓ રામ ઢોલ ત્રાંસા સાથે ઝૂમી ઉઠી હતી આ બજારમાં જરૂરી ચીજવસ્તુઓ ખરીદ કરવા લોકો ઉમટી પડ્યા હતા. જેના કારણે માર્ગો ખીચોખીચ દેખાતા હતા. હોળી અગાઉ ભરાતો આ ભંગોરીયાનો હાટ બહુ ખાસ હોય છે. આ મેળાને અંદાજે 105 વર્ષ થઈ ગયા છે. આજે પણ ભંગોરીયાના મેળામાં આદિવાસી પ્રજાને ભારે ઉત્સાહ હોય છે. એક જ પ્રકારના પહેરવેશ ધારણ કરી ઝૂમી ઉઠતા આ આદિવાસીઓ એક આકર્ષણ ઊભું કરે છે.

બારાવાડના તેલાવ માતાના મંદિરે 2 દિવસ મેળો ભરાયો
પાવી જેતપુર તાલુકાના બારાવાડ ગામની ટેકરી પાસે આવેલ તેલાવ માતાના મંદિરે બે અગિયારસ હોવાના કારણે સતત બે દિવસ ગુરુવાર અને શુક્રવારે મેળો ભરાયો હતો. વર્ષોથી ભરાતા મેળામાં નદીનું પાણી સૂકાઇ જતાં શ્રદ્ધાળુઓએ બોરના પાણીથી સ્નાન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. પ્રકૃતિની ગોદમાં ઉમંગ, ઉત્સાહ સાથે ભરાતો આ "તેલાવ માતાનો મેળો’ અગિયારસના દિવસે વર્ષોથી પરંપરાગત રીતે યોજાય છે. પાવીજેતપુર, છોટાઉદેપુર તેમજ કંવાટ તાલુકાના આદિવાસીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મેળાની મજા માણી હતી. મેળામાં કવાંટ બાજુના આદિવાસીઓએ પોતાના પીસવા (પીહા) વગાડી આગવી અદામાં નૃત્ય કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...