ચૂંટણી:છોટાઉદેપુર પાલિકાના નવા પ્રમુખ બનાવવા માટે ગતિવિધિઓ શરૂ

છોટાઉદેપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડના નવા પ્રમુખની ચૂંટણી સંદર્ભે 24મીએ સા.સભા યોજાશે
  • કોંગ્રેસ-‌BSPના સભ્યો સહેલગાહે ઉપડી જતાં નગરમાં ચર્ચા

છોટાઉદેપુર નગર પાલિકા ઘણા સમયથી વિવાદમાં ચાલી રહી છે. અગાઉના પ્રમુખ નરેનભાઈ જયસવાલ વિરુદ્ધ 20 જેટલા સભ્યોએ મુકેલી અવિશ્વાસની દરખાસ્ત યોજાયેલ સામાન્ય સભામાં પસાર થઈ જતા નવા પ્રમુખ તરીકે કોંગ્રેસના નેતા અને પાલિકાના સભ્ય સંગ્રામસિંહ રાઠવાને પ્રમુખ પદ ઉપર બેસાડવા અર્થે રાજકીય ગતિવિધીઓ તેજ બની છે.

છોટાઉદેપુર પાલિકા બોર્ડમાં નવા પ્રમુખની ચૂંટણી અર્થે તા. 24 ના રોજ ખાસ સામાન્ય સભામાં યોજાનાર છે. જે અગાઉથીજ કોંગ્રેસ અને બસપાના સભ્યો સહેલગાહે ઉપડી ગયા હતા. પરંતુ બહુજન સમાજ પાર્ટી અને કોંગ્રેસના સભ્યો સહેલગાહે ઉપડી ગયાની વાત નગરમાં ફેલાઈ જતા નગરજનોમાં તથા રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. રાજકીય પંડિતો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે.

મળેલ વિગતો પ્રમાણે છોટાઉદેપુર પાલિકા બોર્ડના જુદી જુદી પાર્ટીના ચૂંટાયેલા 28 સભ્યો પૈકી બહુમત ધરાવતા કોંગ્રેસ અને બહુજન સમાજ પાર્ટીના સભ્યો સહેલ ગાહે ઉપડી જતા સમગ્ર નગરમાં અને રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ બહુજન સમાજ પાર્ટીના ટેકાથી કોંગ્રેસના સંગ્રામસિંહ રાઠવાને પ્રમુખ પદ મળી શકે તેમ જાણવા મળ્યું હતું. દોઢ વર્ષથી વિવાદમાં ચાલતી પાલિકામાં સ્થિર સત્તાધીશો ન હોવાને કારણે નગરનો વિકાસ રૂંધાઇ રહ્યો છે. નગરમાં કામો ન થતા હોવાની લોકો બુમો પાડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...