છોટા ઉદેપુર બાળ અદાલતમાં ગઈકાલે જિલ્લા પોલીસ વડા, એલ.સી.બી.પી.આઇ., એલ.સી.બી.પી.એસ.આઇ., એલ.સી.બી.સ્ટાફ તેમજ જુદી જુદી હોસ્પિટલના ડોક્ટર સહિત 15 જણા સામે બાળ અદાલતમાં ફરિયાદ કરી છે અને ફરિયાદીના વકીલના જણાવ્યા મુજબ બાળ અદાલત દ્વારા CID ક્રાઇમબ્રાંચ, ગાંધીનગરને તપાસ સોંપવાનો આદેશ કર્યો છે.
છોટા ઉદેપુર બાળ અદાલતમાં ગઈકાલે છોટા ઉદેપુર જિલ્લા પોલીસ વડા, એલ.સી.બી. પી.આઇ., એલ.સી.બી.પી.એસ.આઇ,તેમજ જશવંત સિંધા, લખનસિંહ, વિમલભાઈ, કહરસિહ,રાજેશભાઈ પટેલ,મુકેશભાઈ,હિતેશભાઈ તમામ એલ.સી.બી.સ્ટાફ તેમજ અન્ય ત્રણ પોલીસ કર્મીઓ ઉપરાંત મેડિટોપ હોસ્પિટલના ડોક્ટર રમેશ પટેલ, વિન્સ હોસ્પિટલ વડોદરાના ડોકટર, આદિક્યુરા હોસ્પિટલ ,વડોદરાના ડોકટર તેમજ નાર નારાયણ હોસ્પિટલ બોડેલીના ડોકટર નીરવ પટેલ સામે ઈપિકો કલમ 323, 325, 307, 114, 342, 344, 504, 506(2), 511 મુજબ ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદીના વકીલના જણાવ્યા પ્રમાણે આ ફરિયાદના અનુસંધાને બાળ અદાલત દ્વારા આ કેસની તપાસ CID ક્રાઇમ, ગાંધીનગરને સોંપવાનો આદેશ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
શા માટે પોલીસ સામે ફરિયાદ કરી?
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ગત 6 નવેમ્બરના રોજ, જબુગામ ખાતે થયેલી હત્યાના ગુનામાં એલ.સી.બી.એ ફરિયાદીના ઘરે જઈને તેમના દીકરાની ધરપકડ કરવાની હોવાનું જણાવી એલ.સી.બી.ઓફિસે આવવાનું કહેતા ફરિયાદી તેમના સગીર દીકરાને લઇને એલ.સી.બી. ઓફિસે ગયા હતા. જ્યાં તેઓની પૂછપરછ કરી હતી અને પછી પોલીસ વડા પાસે લઈ ગયા હતા. જ્યાં તેઓને ખૂનનો ગુનો ના કબૂલે ત્યાં સુધી મારવાનું કહેતા એલ.સી.બી.ની ઓફિસે લાવીને પોલીસવાળા તેમની ઉપર તૂટી પડ્યા હતા અને 14 નવેમ્બર સુધી બન્ને બાપ-દીકરાને માર મારતા રહ્યા હતા. પોલીસના મારથી ફરિયાદીનો સગીર દીકરાને ઇજા પહોંચતા છોટા ઉદેપુરની મેડિટોપ હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં સગીરની સારવાર શરૂ કરાઇ હતી. ત્યાંથી વડોદરાની વિન્સ હોસ્પિટલમાં લઈ જવાયા હતા ત્યાંથી ચાર દિવસમાં જ કાઢી મૂકવામાં આવ્યા હતા. ફરીથી છોટા ઉદેપુરની મેડીટોપ હોસ્પિટલ ખાતે આવીને દી. રમેશ પટેલને મળતા તેને વડોદરાની આદીક્યુરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી દસ દિવસ બાદ ઘરે મોકલી આપ્યા હતા, એટલે ફરિયાદીએ બોડેલી નર નારાયણ હોસ્પિટલના ડૉ. નીરવ પટેલને મળીને સારવાર શરૂ કરી હતી, પરંતુ હોસ્પિટલના બિલને લઈને ફરિયાદી અને ડોકટર વચ્ચે રકઝક થઈ હતી. તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.
શું હતો સમગ્ર મામલો?
જબુગામ ખાતે પાંચ મહિના પહેલા ઓક્ટોબર મહિનામાં દલાજી વણઝારાની રૂ. 50 લાખની ખંડણી બાબતે હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના ગુનામાં ફરિયાદી અને તેના સગીર દીકરાની પૂછપરછ કરવા માટે એલ.સી.બી. દ્વારા તેઓને બોલાવીને પૂછપરછ કરી હતી અને બંને બાપ-દીકરાએ ગુનો કબૂલ ન કરતા માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરીને જિલ્લા પોલીસ વડા, એલ.સી.બી.પી.આઇ., એલ.સી.બી. પી.એસ.આઇ., તેમજ સ્ટાફ અને જુદી જુદી હોસ્પિટલના ડોકટર સામે બાળ અદાલતમાં ફરિયાદ કરતા બાળ અદાલતે CID ક્રાઇમ, ગાંધી નગરને તપાસનો આદેશ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.