શ્રીજીની વિદાય:છોટાઉદેપુર જિલ્લામાં શ્રીજીની 450 જેટલી પ્રતિમાનું વિવિધ નદીઓમાં વિસર્જન કરાશે

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગણેશ વિસર્જનની તૈયારીઓ પૂર્ણ : આજે 350 પોલીસ જવાનો, 570 હોમગાર્ડના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે થશે શ્રીજીનું વિસર્જન
  • ઓસરંગ, મેણ, કરા, હેરણ, અશ્વિની અને ઢાઢર નદીમાં લઇ જવાશે

છોટાઉદેપુર જિલ્લાના 6 તાલુકાઓમાં રવિવારે ગણેશ મહોત્સવને 10 દિવસ પૂર્ણ થતાં વિસર્જન પ્રક્રિયા અર્થે ચાલી રહેલી તડામાર તૈયારીઓ પૂર્ણ થઇ છે. જિલ્લાના જુદા જુદા 6 તાલુકાઓમાં ગણેશ વિસર્જન અર્થે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

છોટાઉદેપુર જિલ્લામાં ગણેશ વિસર્જન અર્થે યુવાનોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. પરંતુ કોરોનાનું સંક્રમણ ફેલાય નહિ તે માટે મર્યાદિત સંખ્યામાં તથા સરકારની ગાઈડલાઈન પ્રમાણે વિસર્જન પ્રક્રિયા હાથ ધરાશે. જોકે આના કારણે યુવાનોમાં ભારે નિરાશા પણ જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિસર્જન પ્રક્રિયામાં માત્ર 15 વ્યક્તિઓ જઈ શકશે. અને ગણેશ પંડાલ પાસે જ માત્ર નાચગાન થઈ શકશે. દર વર્ષની જેમ શોભાયાત્રા કાઢવામાં આવશે નહિ. તેમ તંત્ર દ્વારા જાણવા મળ્યું હતું.

છોટાઉદેપુર જિલ્લામાં શહેર તથા ગ્રામીણ વિસ્તારોમાં જુદી જુદી નાની મોટી જગ્યાઓ ઉપર અંદાજિત 450 જેટલી જગ્યાઓ ઉપર ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી હતી. ઠેર ઠેર મહા આરતી, ભજનો, અન્નકૂટ, પ્રસાદીના કાર્યક્રમો યોજાયા હતા. દસ દિવસ સુધી ભક્તિભાવપૂર્વક શ્રીજીની આરાધના કરાયા બાદ હવે રવિવારે ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે શ્રીજીને વિદાય આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે દર વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં આવેલ ઓરસંગનદી, મેણ નદી, કરા નદી, હેરણ નદી, અશ્વિની નદી અને ઢાઢર નદીમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. ચાલુ વર્ષે પણ એ જ રીતે ગણેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

ગણેશ વિસર્જનને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ત્રણ ડીવાયએસપી, 5 પીઆઈ, એક પ્લાટુન એસઆરપી, 17 પી એસ આઈ, 350 જેટલા પોલીસ જવાન અને 570 હોમગાર્ડને જિલ્લામાં વિસર્જન પ્રક્રિયા દરમિયાન ચુસ્ત બંદોબસ્ત અર્થે તૈનાત રહેશે. તેમ એલઆઈબી પીઆઈએ આર ડામોરે જણાવ્યું હતું.

પાદરાના છીપવાડ તળાવ ખાતે મૂર્તિનું વિસર્જન કરવાની અંતિમ તૈયારીઓ પૂર્ણ
પાદરાના છીપવાડ તળાવમાં ફાયર બ્રિગેડના ચુસ્ત અને તાલીમ બદ્ધ જવાનો દ્વારા શ્રીજીની મૂર્તિનું વિસર્જન કરાશે. જે અંગે પાદરા નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે છીપવાડ તળાવ પાસે ટીમ તૈનાત કરી અંતિમ તૈયારીઓ પૂર્ણ કરી હતી. છીપવાડ તળાવ ખાતે બનાવેલા કૃત્રિમ તળાવમાં 10 જેટલા તરવૈયાઓ સાથે પાલિકાની ટીમ ખડેપગે હાજર રહેશે.

ડભોઇમાં ગણેશ વિસર્જનને ટાણે કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસની ફૂટમાર્ચ
ડભોઇમાં ગણેશ વિસર્જનને અનુલક્ષીને ઇપીઆઇ એ.જી.પરમારના વડપણ હેઠળ પોલીસની ફૂટમાર્ચ યોજાઇ હતી. ઉલ્લેખનીય છે કે, ડભોઇમાં નાની મોટી મળી કુલ 132 જેટલી ગણપતિની મુર્તિઓની સ્થાપના કરાઇ છે. રવિવારે બપોર બાદ વડોદરી ભાગોળથી વાજતે ગાજતે હીરાભાગોળ ખાતે આવેલ ગોવિંદેશ્વર તળાવ ખાતે આ મૂર્તિઓનું વિસર્જન કરાશે.

અન્ય સમાચારો પણ છે...