ભાસ્કર વિશેષ:ફાર્મિંગ અંતર્ગત વર્ચ્યુઅલ કોન્કલેવ યોજાઇ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છોટાઉદેપુર ખાતેના કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કરાયો‎

છોટાઉદેપુર ખાતે આવેલા ખેડૂત તાલીમ કેન્દ્રમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં નેચરલ ફાર્મિંગ કોન્કલેવનો વર્ચ્યુઅલ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પ્રી-વાઇબ્રન્ટ સમીટ અંતર્ગત આણંદ કૃષિ યુનિવર્સીટીમાં નેચરલ ફાર્મિંગ અંગેના નેશનલ કોન્કલેવના અંતીમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોન્કલેવને વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. જે અંતર્ગત છોટાઉદેપુર ખાતે પણ ખેતીવાડી વિભાગ અને આત્મા વિભાગ દ્વારા ખેડૂત તાલીમ કેન્દ્રમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મળે એ માટે કાર્યક્રમ યોજાયો હતો.

પ્રાકૃતિક ખતી અંગે આયોજીત આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપતા તેમણે રાસાયણિક ખાતરો અને રાસાયણિક દવાઓના દુષ્પ્રભાવ અંગે વિગતે માહિતી આપી હતી. તેમણે જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા અને માનવ શરીરને સ્વસ્થ રાખવા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતીના મુળભૂત આધારસ્તંભો અંગે પણ વિગતે વાત કરી હતી.

આદિજાતિ વિકાસ નિગમના ડીરેકટર જશુભાઇ રાઠવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજ પ્રકૃતિની સૌથી નજીક રહેલો સમાજ છે. એમ જણાવી તેમણે વર્તમાન સમયમાં પ્રાકૃતિક ખેતી જરૂરિયાત અંગે વિગતે જાણકારી આપી હતી. કાર્યક્રમ દરમિયાન આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે આયોજીત નેશનલ નેચરલ ફાર્મિંગ કોન્કલેવના સમાપન સમારોહ દરમિયાન વડાપ્રધાન મોદી, ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત, ગૃહ મંત્રી અમીત શાહ, કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રી તેમજ રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આપેલા માર્ગદર્શનનું જીવંત પ્રસારણ કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ટી.કે. ડામોર, અધિક નિવાસી કલેકટર ડી.કે.બારીઆ, માજી ધારાસભ્ય શંકરભાઇ રાઠવા, સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...