સંખેડાના ખેડૂતો આકરા પાણીએ:મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર આપ્યું; 4 દિવસમાં નિરાકરણ ન આવે તો આંદોલનની ચીમકી

છોટા ઉદેપુર24 દિવસ પહેલા

સંખેડાના હાંડોદ ખાતે છેલ્લા દશેક દિવસથી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે મડાગાંઠ સર્જાઈ હતી. જે આંદોલનમાં ફેરવાઈ અને સમાધાન થયા બાદ ફરીથી વેપારીઓની કનડગત ચાલુ રહેતા ખેડૂતો આકરાપાણીએ ઉતરી ગયા છે. આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને સંખેડા મામલતદારને આવેદનપત્ર આપીને ઉકેલ લાવવાની માંગણી કરી છે. જો ઉકેલ ના આવે તો ફરીથી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

આંદોલન પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી
સંખેડા ખાતે છેલ્લા દશેક દિવસથી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે કેટલાક મુદ્દે મડાગાંઠ સર્જાઈ હતી. જેનું ચાર દિવસ પહેલા સમાધાન પણ થયું હતું. જે એપીએમસીના ચેરમેનની મધ્યસ્થીથી ખેડૂતો અને વેપારીઓ વચ્ચે સમાધાન થયું હતું. સમાધાન થયાના બીજા જ દિવસે સમાધાનની ફોર્મ્યુલાનો ભંગ વેપારીઓ દ્વારા કરવાની શરૂઆત થતાં જ ખેડૂતોએ એપીએમસી ચેરમેનને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આકરાપાણીએ આવી ગયા છે. આજે હાંડોદ ખાતે મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા અને ત્યારબાદ સંખેડા મામલતદારને આવેદનપત્ર આપીને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી માંગણી કરી છે. ચાર દિવસમાં નિરાકરણ ના આવે તો ફરીથી આંદોલન પર ઉતરવાની ચીમકી ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

ખેડૂતોનો આક્ષેપ
ખેડૂતો દ્વારા એપીએમસીમાં કપાસ લાવ્યા બાદ હરાજીમાં ભાવ નક્કી થયા બાદ પણ વેપારીઓ દ્વારા કડદો કરવામાં આવે છે. જીનમાં કપાસના વજનમાં પણ ફેરફાર આવે છે. ઉપરાંત રોકડીયા પાક હોવા છતાં પંદર દિવસે ચુકવણું કરવામાં આવે છે. વટાવ પણ કાપવામાં આવતો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

શું છે ખેડૂતોની મુખ્ય માંગણી ?
ખેડૂતો દ્વારા એપીએમસી ચેરમેન સમક્ષ કરેલી મુખ્ય માંગણીઓમાં, હરાજીમાં જે ભાવ નક્કી થાય તે જ ભાવ ખેડૂતને વેપારી દ્વારા આપવામાં આવે, કપાસનું વજન એપીએમસીમાં જ કરવામાં આવે, કપાસનું ચુકવણું રોકડું કરવામાં આવે, વટાવ પ્રથા બંધ કરવામાં આવે, ખેડૂતોએ રાત્રી મિટિંગ કરીને આંદોલનનું રણશીંગુ ફુક્યું હતું.

મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું
ગત સોમવારે ખેડૂતોએ આંદોલન કરીને ઉપવાસ ઉપર ઉતર્યા હતા. ત્યારે એપીએમસી ચેરમેન પણ સાથે ઉપવાસ પર ઉતર્યા હતા. પરંતુ સાંજે વેપારીઓ સાથે સમાધાન કરીને પારણા કર્યા હતા. બીજા દિવસે હરાજી થઈ હતી, જેમાં સમાધાન મુજબની ફોર્મ્યુલા વેપારીઓએ અમલ કર્યો ન હતો. જેને લઇને ખેડૂતો ગામેગામ જઈને કપાસ પકવતા ખેડૂતો સાથે રાત્રિ મિટિંગ કરીને આંદોલનનું રણશીંગુ ફૂકવાનું નક્કી કર્યું છે. ખેડૂતોએ રણનીતિના ભાગરૂપે આજે સંખેડા મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...