લોકોના આરોગ્ય સાથે ચેડાં:પાવી જેતપુરના સુસ્કાલમાં ડિગ્રી વગરનો બોગસ ડોકટર ઝડપાયો, બોગસ ડોકટરની ભરમાર છતાં આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં

છોટા ઉદેપુર25 દિવસ પહેલા

પાવી જેતપુરના સુસ્કાલ ખાતેથી ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો છે. છોટા ઉદેપુર જિલ્લામાં ઠેર ઠેર બોગસ ડોક્ટરોનો રાફડો ફાટયો છે. છેલ્લા છ મહિનામાં જિલ્લા પોલીસ દ્વારા ઠેર ઠેર દરોડા પાડી 10 કરતા વધુ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે પાવી જેતપુરના સુસ્કાલ ખાતે ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરી રહેલા પ્રદિપકુમાર પ્રફૂલકુમાર રોય, મૂળ રહે. મીઠાપોરા દેબાગ્રા,તા. રાનાઘાટ, જી. નાડીથા,પશ્ચિમ બંગાળ નામના બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લા એલસીબીને મળેલી બાતમી આધારે તપાસ કરતા પશ્ચિમ બંગાળનો રહેવાસી અને હાલ સુસ્કાલ ખાતે પ્રદીપકુમાર પ્રફુલકુમાર રોય ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. જેને લઈને છોટાઉદેપુર જિલ્લા એલસીબીએ આ બોગસ ડોક્ટરને પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બોગસ ડોક્ટર પ્રદિપકુમાર પ્રફૂલકુમાર રોયને ત્યાં એલ.સી.બી.એ રેડ કરી તેની પાસેથી એલોપેથી દવાઓ, ઇન્જેક્શન તથા અન્ય સાધનો મળી કુલ રૂ.૧૬૧૧૦.૩૪/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.

મહત્વની વાત એ છે કે, છોટા ઉદેપુર જીલ્લામાં છેલ્લા છ મહિનાથી બોગસ ડોકટરો ઝડપાઈ રહ્યા છે, તેઓને પોલીસ શોધી કાઢે છે પરંતુ લોકોના આરોગ્યની ચિંતા કરતા આરોગ્ય તંત્ર પાસે આવા બોગસ ડોકટરોની કોઈ માહિતી નથી અને આવા બોગસ ડોકટરો બેરોકટોક રીતે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...