બોડેલીના ઢોકલિયા ખાતે પાણીની ટાંકી પાસે ભર બપોરે એક યુવકે તીક્ષ્ણ હથિયાર વડે એક વૃદ્ધનું ગળું કાપીને હત્યા કરી હોવાની ઘટના બનવા પામી છે. આ હત્યાને લઇને બોડેલીમાં હાહાકાર મચી ગયો છે.
બોડેલીના ઢોકલીયાની પાણી ટાંકી પાસે ભીખાભાઈ ચુનારા ઉભા હતા. ત્યારે મોરપુરા, તા. ડભોઇના રહેવાસી રુદ્ર દિનેશભાઈ બારીયા નામના યુવકે આવીને ભીખાભાઈ ચુનારાને તીક્ષ્ણ હથિયાર એટલે કે પ્લાસ્ટિકના હાથાવાળા કટર વડે ગળામાં ગંભીર રીતે ઇજા પહોંચાડીને હત્યા કરી હતી. ગળાના ભાગે કટર વડે ઇજા પહોંચતા ભીખાભાઈનું લોહીલુહાણ હાલતમાં જ ઘટનાસ્થળે મોત થયું હતુ.
હત્યા પહેલા વૃદ્ધ ભીખાભાઈ ચુનારા અને હત્યારા રુદ્ર બારીયા વચ્ચે ઝઘડો થયો હતો અને ત્યારબાદ રુદ્ર દિનેશભાઈ બારીયાએ ભીખાભાઈનું ગળું કાપીને હત્યા કરી હોવાનું જણાઈ રહ્યું છે. આ હત્યા કર્યા પછી હત્યારો ત્યાં જ ઊભો હતો અને હત્યાની જાણ થતાં જ લોકટોળા ઉમટી પડ્યા હતા. થોડી જ વારમાં પોલીસ પણ ઘટનાસ્થળે આવી જતા આરોપીને લઇને પોલીસ સ્ટેશન જતી રહી હતી. જ્યારે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો હતો.
આ હત્યા કેમ કરી?, બન્ને વચ્ચે શું સંબંધ હતો?, હત્યા કરવા સુધી મામલો કેમ પહોંચ્યો? વગેરે સવાલોના જવાબ માટે બોડેલી પોલીસે આરોપીની પૂછપરછ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.