પાવીજેતપુર રેલવે ફાટક ઉપરના ઢાળ ઉપરથી 14 પૈંડાની મોટી ટ્રક બંધ થઈ જઈ પાછી પડતા ઉબેટો મૂકી દેતા પાછળ ઉભેલા વાહન ચાલકો તેમજ લારીઓ વાળાનો આબાદ બચાવ થયો હતો. નગરનો મુખ્ય રસ્તો કલાકો સુધી બંધ થઈ ગયો હતો.
પાવીજેતપુર નગરનો તીનબત્તીથી બસ સ્ટેન્ડ સુધીનો મુખ્ય રસ્તા પર રેલવે ફાટક આવેલો છે. એ રેલવે ફાટકના ઢાળ ઉપરથી પસાર થઈ રહેલા ૧૪ પૈંડાની મોટી ટ્રક જેમાં મોટા પથ્થરોની શીલાઓ ભરવામાં આવી હતી. તે ટ્રક એકાએક બંધ થઈ જઈ પાછી જવા લાગી હતી. ઢાળ ઉપરથી ટ્રક પાછી જઈ રહી હતી ત્યારે ડ્રાઇવરે આ ગાડીને અટકાવવા માટે ઉબેટો મૂકવાનું શરૂ કર્યું હતું. બૂમાબૂમ થતા આજુબાજુના લોકો સ્થળ ઉપર દોડી આવી ઊબેટો મૂકી ટ્રકને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો.
પાછળ ઉભેલા વાહન ચાલકો પરિસ્થિતિને સમજી જતા પાછળ ખસી ગયા હતા. તેમજ રેલવે ફાટક નજીક આવેલી લારીઓ વાળા પોતાની લારીઓને પાછળ ધકેલી દેતા લારીઓ વાળા તેમજ વાહન ચાલકોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના મોડી સાંજે થઈ હોવાથી તેમજ મુખ્ય માર્ગ હોવાથી આ રસ્તો બંધ કરી દેવાની તંત્રને ફરજ પડી હતી. ટ્રકની અંદર એર આવી ગઈ હોવાથી ગાડી બંધ થઈ ગઈ હતી તેમ જાણવા મળ્યું હતું. આ ગાડી બંધ થવાના કારણે તેમજ ઢાળ ઉપરથી પાછી જવાના કારણે ઉબેટો મૂકી દેવાથી તેમજ વાહન ચાલકો તેમજ લારીઓ વાળા પાછળ ખસી જતા મોટી હોનારત થતી ટળી હતી, પરંતુ મુખ્ય રસ્તો કલાકો સુધી બંધ થઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.