છોટા ઉદેપુર તાલુકાના એક ગામમાં છ વર્ષ અગાઉ એક ગર્ભવતી મહિલાને નજીવી બાબતે માર મારીને ગર્ભ પાડી દેતાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં છોટા ઉદેપુર ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા આરોપીને 10 વર્ષની સજા ફટકારવામાં આવી છે.
છોટા ઉદેપુરમાં છ વર્ષ પહેલાં સાંજના સમયે દૂધ આપવા જતી ગર્ભવતી મહિલાને મારા ઘરની પાસેથી કેમ જઈ રહી છે તેમ કહી આરોપીએ મહિલાના પગમાં લાકડી મારી હતી. બાદમાં મહિલા નીચે પડી ગઈ હતી. આરોપી ભરત રાઠવા અહીં પણ નહોતો અટક્યો. તેણે ગર્ભવતી મહિલાને પેટમાં લાતો મારતાંતે બેહોશ થઈ ગઈ હતી. તેને ઉંચકીને ઘરે લઈ જવાઈ હતી. ઘરે આવીને મહિલા ભાનમાં આવતા 108માં છોટા ઉદેપુર સરકારી હોસ્પિટલ ખાતે તેને લઈ જવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે મેડીટોપ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન મહિલાને પેટમાં દુખાવો થતાં ગર્ભ પડી ગયો હતો.
આ અંગે મહિલાએ છોટા ઉદેપુર પોલીસ મથકે ફરિયાદ કરતાં આરોપી ભરત જગાભાઈ રાઠવા સામે IPCની કલમ 316,323,504 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસ છોટા ઉદેપુરની નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ચાલી રહ્યો હતો. નામદાર કોર્ટે આરોપી ભરત રાઠવાને 10 વર્ષની સખત કેદની સજા અને રૂ. 10 હજારની દંડની સજાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ભોગ બનનાર ગર્ભવતી મહિલાને કલમ 357(3) મુજબ રૂ.25 હજાર વળતર પેટે ચૂકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.