ચૂંટણી અર્થે તંત્ર સક્રિય:છોટાઉદેપુર જિલ્લાની 232 ગ્રામ પંચાયતની ચૂંટણીની કામગીરીમાં 4613 કર્મીઓ જોડાશે

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની 19મીએ થનાર ચૂંટણી અર્થે તંત્ર સક્રિય, કુલ 708 મતદાન મથકો તૈયાર કરાયા
  • સમગ્ર જિલ્લામાં કુલ 7 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી

છોટાઉદેપુર જિલ્લામાં તારીખ 19 ડિસેમ્બરના રોજ યોજાનાર 230 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી અને 2 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી કુલ 232 ગ્રામ પંચાયતની ચૂંટણી અર્થે તંત્રએ કમર કસી લીધી છે. યોજાનાર ચૂંટણીમાં સમગ્ર જિલ્લામાં ચૂંટણીની કામગીરીમાં કુલ 4613 કર્મચારીઓ જોડાશે. સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ, નસવાડી, છોટાઉદેપુર, જેતપુરપાવી, સંખેડા, અને બોડેલી, તાલુકાની ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટેની 227 બેઠકો માટે 922 ઉમેદવાર, જ્યારે 1441 વોર્ડના સભ્ય પદ માટે 3855 ઉમેદવાર ચૂંટણીના જંગમાં મેદાનમાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર જિલ્લામાં કુલ 7 ગ્રામ પંચાયતો સમરસ થઈ હતી. જિલ્લામાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ 708 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 94 બૂથ મથકો અતિ સંવેદનશીલ, સંવેદનશીલ 149 અને 465 સામાન્ય મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં 2,65,788 પુરુષ મતદારો, 2,49,988 મહિલા મતદારો જ્યારે અન્ય 3 કુલ 5,15,779 મતદારો મતદાન કરી ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે. મતદાન અર્થે કુલ 875 મતદાન પેટી તૈયાર કરવામાં આવી છે.

ચૂંટણી દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અર્થે 1000 કરતા વધુ પોલીસ જવાનો જિલ્લામાં સમગ્ર બૂથ મથકો ઉપર તૈનાત રહેશે. તંત્ર દ્વારા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. જે અંગે કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોજાનાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ઉમેદવારો દ્વારા મતદારોને રીઝવવા અવનવા કિમીયા તથા લોભ લાલચો આપવામાં આવી રહી છે. મતદારોને મનાવવા અર્થે ઉમેદવારો અને સમર્થકો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. પરંતુ મતદારો મન કળવા દેતા નથી.

મતદાન મથકો પર આપવાની કિટ તૈયાર કરાઈ
નસવાડી તાલુકાના મતદાન મથકો પર મતદાનના દિવસે કોરોના વાયરસની સાવચેતીને લઈ N 95 માસ્ક, ફેસ સિલ્ડ, પીપી કિટ, હેન્ડ ગ્લોઝ તેમજ મતદાન મથકો પર આરોગ્ય લક્ષિ સુવિધાને લઈ કિટ તૈયાર કરાઈ છે. કિટમા હેન્ડ સેનેટાઇઝરનો અભાવ છે. જ્યારે ટેમ્પરેચર ગન જે મતદાન મથકો પર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમા હતી તે આ કીટમા અપાઈ નથી. એકંદરે કોરોનાની સાવચેતીને લઈ મતદાન મથકો પરની કીટ નસવાડી સેવાસદનમા તૈયાર કરાઈ છે.

બોડેલી તાલુકામાં 1,04,449 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા ઉત્સુક
બોડેલી તાલુકામાં કુલ 1,04,449 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જ્યારે બોડેલી, ઢોકલિયા અને અલી ખેરવા ત્રણ જોડિયા પંચાયતોની વાત કરીએ તો બોડેલીમાં બે ત્રણ વોર્ડમાં તીવ્ર રસાકસી જામી છે. ઢોકલિયામાં પણ પ્રચાર જોર શોરથી ચાલ્યો છે.

જ્યારે અલી ખેરવા પંચાયત માટે કાંટેની ટક્કર છે. ત્યાં સરપંચ અને કેટલાક વોર્ડ માટે તીવ્ર રસાકસી જામી છે. પ્રચારના છેલ્લા દિવસે બોડેલીમાં બાઈક રેલી જબરદસ્ત નીકળી હતી. જ્યારે ક્યાંક વોર્ડમાં જમણવાર તો ક્યાંક પાર્ટી ચાલી હતી.

બોડેલી પોલીસે શાંતિ પૂર્ણ વાતાવરણ જળવાય તે માટે ફ્લેગ માર્ચ કાઢી હતી. બોડેલી, ઢોકલિયા અને અલીપુરામાં સરપંચ માટે ત્રિપાંખિયો જંગ જામ્યો છે. બોડેલીમાં 16વોર્ડ પૈકી 7 બિન હરીફ હોવાથી 9 વોર્ડમાં ચૂંટણી થઈ રહી છે. ઢોકલિયામાં 8 વોર્ડમાં ચૂંટણી જામી છે. જ્યારે અલીપુરા માં તમામ 14 વોર્ડમાં ચૂંટણી જીતવા માટે હોડ જામી છે.

સંખેડા તાલુકા સેવાસદન ખાતે મંડપ તૈયાર
સંખેડા તાલુકા સેવાસદન ખાતે ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી આડે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા સંખેડા તાલુકા સેવાસદન ખાતે મંડપ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ટેબલો ગોઠવાઈ ગયા છે, સ્ટેશનરીને લગતી કામગીરી તેમજ ચૂંટણીની કામગીરીના હુકમોને, પોલીસ બંદોબસ્ત વગેરેને લગતી કાર્યવાહીને આખરી ઓપ અપાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...