કોરોના રસીકરણ:છોટાઉદેપુર જિલ્લામાં 1 લાખના ટાર્ગેટ સામે 40,904નું રસીકરણ

છોટાઉદેપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડાપ્રધાનના જન્મદિને જિલ્લામાં 10 વાગ્યા સુધી મોટી સંખ્યામાં રસીકરણ
  • 5,66,982 લોકોને​​​​​​​ રસીનો પ્રથમ ડોઝ આપીને 72.45 ટકા સિદ્ધિ મળી છે

છોટાઉદેપુર જિલ્લામાં એક લાખ લોકોના રસીકરણ સામે રાત્રીના 10:00 સુધીમાં 40,904નું રસીકરણ નોંધાયું હતું. તા. 17 સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજયની જેમ છોટાઉદેપુર જિલ્લામાં પણ મહા રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ મહા રસીકરણ અભિયાન દરમિયાન એક લાખ લોકોના રસીકરણ કરવામાં આવશે તેમ જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે જણાવ્યું હતું. શુક્રવારે સવારના 4 કલાકથી રાત્રીના 12 કલાક સુધી આ રસીકરણ અભિયાન હાથ ધરાયુ હતું. કલેકટર તથા ડીડીઓ દ્વારા વધુમાં વધુ લોકો રસીકરણનો લાભ લે તે માટે પ્રજાને અપીલ કરવામાં આવી હતી.

છોટાઉદેપુર જિલ્લાની વસતિ 10.71 લાખ છે. જે પૈકી મતદાર યાદી પ્રમાણે 8,18,712 પુખ્ત વયના નાગરિકોનું રસીકરણ કરવાનું થાય છે. આમાંથી 5,66,982 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપીને તંત્ર દ્વારા 72.45 ટકા સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા ડોઝ માટે લાયક 2,38,882 લાભાર્થીઓ પૈકી 1,96,922 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લામાં એક દિવસના રસીકરણનો ટાર્ગેટ 30 હજાર, સાંજના 7:30 સુધીમાં 51,537નું રસીકરણ
દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વડોદરા જિલ્લામાં વેક્સિનેશન મેગા ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જિલ્લાના 8 તાલુકાનાં 400 કેન્દ્રો પર શુક્રવારે 1.20 લાખ લોકોને રસી મૂકવાનો ટાર્ગેટ રાખ્યો હતો. જેની સામે શુક્રવારે સાંજના 6:30 વાગ્યા સુધીમાં જિલ્લામાં 45,815 નાગરિકોને રસી મૂકવામાં આવી હોવાનું કલેક્ટર આર.બી.બારડે જણાવ્યું હતું.

પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે શુક્રવારના રોજ રાતે 12 વાગ્યા સુધી રસીકરણ ચાલુ રહેશે. ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં એક દિવસનો રસીકરણનો આંકડો 30 હજારનો હતો, જે ટાર્ગેટ શુક્રવારના રોજ બપોરે 4 વાગે 35 હજાર થતાં જ તૂટી ગયો હતો. જ્યારે સાંજના 7:30 સુધીમાં 51,537નું રસીકરણ થયું હતું.

કોલંબામાં રાતે 8 વાગ્યા સુધીમાં 215નું વેક્સિનેશન
કોલંબા ગામે સાંજના 5 વાગ્યા પછી નસવાડી ગ્રામ પંચાયતમાં બેસેલ ટીમને મોકલાઈ હતી. કોલંબા ગામના સરપંચે જાતે રસ લઈ ગ્રામજનોને વેક્સિન મૂકાવવા પોકાર લગાવી હોઇ સાંજે 5 વાગ્યા બાદ ગયેલી ટીમને વેક્સિન આપવામાં સફળતા મળી હતી. જેમાં રાતના 8 સુધી લાઈન હતી અને 215 ગ્રામજનોને કોરોના વિરોધી રસી અપાઈ હતી. જિલ્લા શિક્ષણ અધિકારી જાતે એ ટીમને રવાના કરી હતી. રાતના પણ વેક્સિનની કામગીરી તંત્રે કરી હતી.

બોડેલીમાં 17 સ્થળે વેક્સિનનો મેગા કેમ્પ યોજાયો
વડા પ્રધાનના જન્મ દિવસ નિમિતે બોડેલી, અલીપુરા, ઢોકલિયા અને ચાચકમાં 17 સ્થળે કોરોનાની રસીનો કેમ્પ યોજ્યો હતો. જ્યારે અલીપુરાની ગંગા નગર સોસાયટીના આયોજિત ગણેશોત્સવ સ્થળે જ રસી કેમ્પ યોજ્યો હતો. આવા કેમ્પની બોડેલી નાયબ કલેકટર ઉમેશભાઈ શાહે મુલાકાત લીધી હતી. ત્યારે ડે. સરપંચ ભજાભાઈ લાકોડ, જીજ્ઞેશ ચોકસી વિગેરે યુવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...