છોટાઉદેપુર તાલુકામાં નજીક આવેલ વીરપુર જૂથ ગ્રામ પંચાયતના ખોડવાણીયા, લગામી, ગુડા જેવા ગામોમાં લાભાર્થીઓ 242 જેટલી અરજીઓ 2019માં થઈ હતી. જે અને 2020માં નવીન સિટી કુટીર ઉદ્યોગ યોજનામાં મંજુર થઈ હતી. જેને ત્રણ વર્ષ જેવો સમય થઈ જતા હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી.
જેથી ગ્રામજનો હજુ સુધી અંધારા ઉલેચી રહ્યા છે. નથી ગામમાં થાંભલા લાગ્યા કે નથી મીટર તેવી ફરિયાદો લાભાર્થીઓ કરી રહ્યા છે. વીરપુર ઝેર ગામે નવીન સિટી કુટીર ઉદ્યોગ યોજનામાં મંજૂર થયેલા નવા પોલ તથા મીટરનું કામ બાકી હોય જે પૂર્ણ કરવા જરૂરી છે.
તેમ વીરપુર ગામના મુકેશભાઈ વેસ્તાભાઈ રાઠવા, અને જગદીશભાઈ બચુભાઇ રાઠવા તથા ગ્રામજનો જણાવી રહ્યા છે. અધૂરી કામગીરી પૂર્ણ કરવા ગ્રામજનોની માંગ ઉઠી છે. આ અંગે એમજીવીસીએલમાં બોડેલી તથા તેજગઢ ખાતે પણ લાભાર્થીઓએ રજૂઆતો કરી પરંતુ તેઓની સમસ્યાઓનો હજુ સુધી નિકાલ આવતો નથી.
તેલનો દીવો કરી બાળકોને અભ્યાસ કરાવવો પડે છે
વીરપુર જૂથ ગ્રામ પંચાયતના અંધેરા ઉલેચતા ગ્રામજનો જણાવી રહ્યા છે કે 2019માં અમોએ 242 જેટલી અરજીઓ કરી હતી. જેમાં વીરપુર, ગુડા, ખોડવાણીયા, અને લગામી ગામો આવેલા છે. જે 4 ગામ થઈ અંદાજે 18 હજાર જેટલી વસ્તી ધરાવતા ગામો છે. 2019માં આપેલી અરજી 2020માં મંજુર થઈ હતી.
આ અંગે અમો બોડેલી ગયા ત્યાં જણાવવામાં આવ્યું કે ટ્રાયબલ ઓફિસમાંથી લેટર મળ્યા નથી. એમ કહી અમોને તેજગઢ મોકલી દીધા અને ધક્કા ખાવાનો વારો આવ્યો છે. હાલ વીજળી ન મળતા ભારે તકલીફ ભોગવવી પડી રહી છે. તેલનો દીવો કરી બાળકોને અભ્યાસ કરાવવો પડે છે.
કેરોસીન હવે મળતું નથી. જેથી ભારે મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. હવે રજુઆત કરવી તો કોને કરવી એ પ્રશ્ન થઈ પડ્યો છે. આ બાબતે તંત્ર વહેલી તકે ગરીબ આદિવાસીઓના પ્રશ્નનો નિકાલ કરે એ જરૂરી છે. કારણ કે વીજળી એ એક પ્રાથમિક જરૂરિયાત છે.
વીજ કનેક્શનો મંજૂર થયા હોવા છતાં મળતા નથી
છોટાઉદેપુર વિસ્તાર શૈક્ષણિક દૃષ્ટિએ અતિ પછાત હોઇ ગરીબ આદિવાસી વિકાસની વાતો વચ્ચે હજુ પણ અંધકારમાં જીવી રહ્યો છે. જ્યારે છોટા ઉદેપુર વીરપુર જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં વીજ કનેકશનો મંજૂર થયા હોય છતાં મળતા નથી.
સાથે વિકાસવંતા ગુજરાતમાં વિકાસની કેડીમાં ભાગ લેવા માટે અભ્યાસ કરી ઉચ્ચ શિક્ષા મેળવવા માંગતા ગરીબ તથા પછાત વિસ્તારના આદીવાસી વિદ્યાર્થીઓને વાંચન લેખન અર્થે તકલીફ પડી રહી છે. વીજળીના કનેકશનો ન મળતાં, મીટર ન લાગતા ફાણસ તથા દીવાનો સહારો લઇ અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. તસવીરો જોતાં જણાઈ રહ્યું છે કે શિક્ષણ મેળવવાની ધગસને કારણે વિદ્યાર્થીઓ દીવાથી જ વાંચન તથા લેખન કરતા જણાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.