તસ્કરી:છોટાઉદેપુરમાં મકાનમાંથી ઘરેણા સાથે 1.97 લાખની મતાની ચોરી

છોટાઉદેપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઘરનું બારણું ખુલ્લું જોતા પાડોશીઓએ મકાનમાલિકને જાણ કરી
  • શ્રીજી સોસાયટીમાં ચોરીનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ

છોટાઉદેપુર નગરમાં આવેલ શ્રીજી સોસાયટીમાં તા 19 રાત્રીના સમયે ફરિયાદી દીપકભાઈ કંચનભાઈ પંચાલના મકાનમાં રૂા. 1,97,000ની મત્તાની તસ્કરો ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ઘર માલિક પરિવાર સાથે ઘરે હાજર ન હતા. પરંતુ ઘરનું બારણું પાડોશીઓએ ખુલ્લું જોતા મકાનમાલિકને જાણ કરી હતી. ત્યારબાદ ઘરમાં તપાસ કરતા બધો માલ સમાન વેર વિખેર પડેલો હતો. અને માતબર કિંમતના કિંમતી ઘરેણા અને માલસામાનનો હાથફેરો કરી તસ્કરો રવાના થઈ ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરની શ્રીજી સોસાયટીમાં રહેતા દીપકભાઈ કંચનભાઈ પંચાલના મકાનમાં તસ્કરોએ તરખાટ મચાવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મકાન મલિક પરિવાર સાથે વડોદરા બીજા ઘરે ગયેલ હોય ત્યારે બંધ મકાન જોઈ તસ્કરોની દાનત બગડી હતી. અને ઘરમાં પેસી તિજોરીમાંથી હાથફેરો કરી પલાયન થઈ ગયા હતા. જ્યારે ઘરના બારણાના નકુચા તૂટેલી હાલતમાં હતા.

અને ઘરની બહાર હીંચકા ઉપર લાકડાના હાથા વાળી ફરસી જોવા મળી હતી. જે તસ્કરો લઈ જવાનું ભૂલી ગયા હોય તેમ લાગી રહ્યું છે. મકાનમાલિકે પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે સોનાની બુટ્ટીના 4 સેટ કિંમત 35,000, કાનમાં પહેરવાની સોનાની કડી જેની કિંમત રૂ 10 હજાર, 3 સોનાના પેન્ડલ 3 કિંમત રૂ 17,000, સોનાની લગડી કિંમત 53000, ચાંદીના જુલા 5 નંગ, કંદોરી નંગ 2, ચાંદીના ગ્લાસ નંગ 2, ચાંદીની પોચી 4 જોડી, પગમાં પહેવાના વિટલા 2 ચાંદીના સેટ 2 ચાંદીની દીવી તથા ઘૂઘરો, સાંકળા, સિક્કા, તથા રોકડ રૂ 52000 એમ કુલ 1,97,000 કિંમતનો મુદ્દામાલ ચોરાયો હોય જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

શિયાળા દરમિયાન રાત્રીના સમયે પોલીસ બંદોબસ્ત વધારવા માગ
છોટાઉદેપુર પંથકમાં દર શિયાળામાં ચોરીના બનાવો વધુ બનતા હોય છે. જેના કારણે રાત દિવસ કાળી મેહનત મજૂરી કરીને પ્રજાએ ભેગી કરેલી જમા પુંજી એક ઝાટકે જતી રહેતી હોય છે. તસ્કરો ક્યારે પકડાશેએ કોઈ નક્કી હોતું નથી. પરંતુ નુકસાન જતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

હવે શિયાળો શરૂ થઈ ગયો રાત્રીના સમયે બધું સુમસામ હોય પ્રજા ગાઢ નિંદ્રામાં હોય જે સમયે તસ્કરો તરખાટ મચાવી દેતા હોય તેવા બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે. શિયાળા દમ્યાન રાત્રીના સમયે પોલીસ બંદોબસ્ત વધારવામાં આવે અને શ્રીજી સોસાયટી વિસ્તારમાં પોઇન્ટમાં વધારો કરવામાં આવે તેવી પ્રજાની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...